અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અને મધુબેનના ત્યાં દીકરીનો જન્મ થતાં સમગ્ર પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. પરંતુ આ ખુશીની સાથે ચિંતાની લાગણી પણ જન્મી હતી. નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ હતી.
જન્મથી અન્નનળીની તકલીફ ધરાવતી નવજાત બાળકીની સિવિલમાં સફળ સારવાર, નાજૂક ઓપરેશન બાદ 10માં દિવસે ધાવણ લીધું બાળકીનો જન્મ ખાનગી નર્સિંગ હોમમાં થયો હતો. 2 કિલો વજન ધરાવતી બાળકીને જન્મના 2 કલાકમાં જ શ્વાસ લેવાની તકલીફ થતાં ખાનગી હોસ્પિટલના NICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવી ત્યારબાદ સીટી સ્કેન કરાવવામાં આવતા ‘હાઈટસ હર્નિઆ’ની તકલીફ હોવાનું જણાઈ આવ્યું. ખાનગી હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવા માટે રૂ. ૨ લાખ જેટલો ખર્ચ જણાવતાં બાળકીના પિતા આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યુ. સિવિલ હોસ્પિટલ ખાતે તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું.આ ઓપરેશનમાં એનેસ્થેસિયા વિભાગના ડૉ. શકુંતલા ગોસ્વામીની અને તેમની ટીમની તબીબી કુશળતાના કારણે જટિલ ઓપરેશન સરળતાથી પાર પડ્યું. આ જટિલ ઓપરેશન વિશે પિડિયાટ્રિક્સ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે નવજાત બાળકીની હોજરી છાતીના ભાગમાં હતી જેથી બાળકી સ્તનપાન કરવા સક્ષમ ન હતી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. બાળકીનું ઓપરેશન કરી તેની હોજરી જે છાતીના ભાગમાં હતી તેને નીચે લાવવામાં આવી. ઉદરપટલનો જે ભાગ મોટો હતો તેને ટાંકા લઈને સાંકળો કરવામાં આવ્યો. અન્નનળીના હોજરી સાથેના જોડાણને સામાન્ય બનાવવામાં આવ્યું છે. ‘હાઈટસ હર્નિઆ’ એટલે કે છાતી અને પેટ બંન્નેને જુદો પાડતો ભાગ હોય જેને ઉદર પટલ કહેવાય છે. ઉદર પટલમાંથી અન્નનળી જે જગ્યાએથી બહાર નીકળે અને પેટમાં પહોંચી હોજરી સાથે જોડાય તેને હાઈટસ કહેવાય છે.અન્નનળી અને હોજરી વચ્ચે વધુમાત્રામાં જગ્યા હોવાના પરિણામે બાળકી સ્તનપાન કરી શકતી ન હતી. ધીમે-ધીમે હોજરી ફુલવાના પરિણામે ફેફસાં પર દબાણ વધી જતાં શ્વાસોશ્વાસમાં તકલીફ સર્જાઇ.ઓપરેશનના 3 દિવસ બાદ બાળકીને ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને ચોથા દિવસથી તેને બ્રેસ્ટ ફીડીંગ (સ્તનપાન) ચાલુ કરવામાં આવ્યું. હવે આ બાળકી ખૂબ જ સારી રીતે ધાવણ લઇ રહી છે. નવજાત બાળકીએ જ્યારે ૧૦ દિવસ પછી માતાનું ધાવણ આરોગ્યું ત્યારે તેની માતાનાં આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યાં હતાં.નવજાત બાળકમાં ‘હાઈટસ હર્નિઆ’ એ ખૂબ જ દુર્લભ રોગ છે તેમાં વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે કેમકે આ રોગને કારણે પેટમાં કાણું, વોલ્વુલસ, એસ્પિરેશન, સતત ઉલટીઓ વગેરે થવાની શક્યતાઓ રહેલી છે. પરિણામે આવા કેસમાં તાત્કાલિક સારવારની જરૂર રહે છે.