અમદાવાદઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે જે જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ વધુ કેસ હતા, ત્યાં ઘટાડો થયો છે અને બીજા જિલ્લાઓમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગત એક મહિનાથી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદ કરતાં પણ વધુ નોંધાયા છે.
સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17,884 નોંધાઇ છે. જેમાંથી 585 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
26 જુલાઇના રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સુરતથી તમામ પ્રકારની ST અને ખાનગી બસોના પરિવહન પર પ્રતિબંધ મુકાયો હતો. જેને તબક્કાવાર વધારીને 21 ઓગસ્ટ સુધી કરાયો હતો.
21 ઓગસ્ટ એટલે કે આજથી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે સુરતથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ST બસ શરૂ થશે અને આ સાથે જ વિવિધ જિલ્લાઓમાંથી સુરત માટેની ST બસ સેવા પણ શરૂ થશે.
સુરતમાં ST બસ સેવા ફરી શરૂ થવાથી મુસાફરો ખુશ થયા છે. આમ છતાં કોરોના વાઇરસનો ભય ટળ્યો ન હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝર, આરોગ્ય સેતુ એપ, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ વગેરે નિયમો પૂર્વવત રહેશે.