અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે ગત એક અઠવાડિયાથી ABVP અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનને આગળ વધારતા સોમવારે ABVPના કાર્યકરોએ પ્રવેશ શુદ્ધિ યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ યજ્ઞ ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી VCની ચેમ્બર નીચે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિરોધના ભાગરૂપે રજિસ્ટ્રારને બંગડી આપવી, કુલપતિની ચેમ્બર બહાર બંગડી લટકાવવી, શાકભાજીની લારી લઈને કેમ્પસમાં આવવું વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. આ તમામ કાર્યક્રમ થકી ABVP ગુજરાત યુનિવર્સીટીના વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયામાં જે સભ્યોની નિમણૂક કરાઈ છે તેમને બદલવાની માગ કરી રહ્યું છે.
ગત વર્ષે યુનિવર્સીટી દ્વારા સરકારી બેઠકો પહેલા ખાનગી કૉલેજોની બેઠકો ભરવામાં આવી હતી. જેનો ABVPએ વિરોધ કર્યો હતો. આ વર્ષે પણ ABVP પ્રવેશ કમિટીના સભ્યો બદલવામાં આવે તેવી માગ કરી રહ્યું છે. આ સાથે જ ખાનગી બેઠકો પહેલાં સરકારી તમામ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માગ કરી રહ્યું છે.
ABVPએ ગુજરાત યુનિવર્સીટીના VC, પ્રોવીસી, રજિસ્ટ્રાર અને શિક્ષણ પ્રધાનને ભગવાન સદબુદ્ધિ આપે. આ ઉપરાંત તમામને ભ્રષ્ટાચારમાંથી મુક્ત રાખે તેવા મંત્રોચ્ચાર કરી રામધૂન પણ બોલાવી હતી.