અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડમાં ધોળકાના એક જ પરિવારના બે વ્યક્તિના લોકોનું મોત થયું હતુ. ધોળકાના રહેવાસી નવીનભાઈ અને તેમના પુત્ર નારેન્દ્રભાઈનું શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટનામાં મોત થયુ હતું. એક જ પરિવારના બે સભ્યના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. ત્યારે પીડિત પરિવાર માટે કોર્પોરેશનના કારણે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પિતા-પુત્રના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાને કારણે મોત થયું હોવાનું દર્શાવ્યું છે, જ્યારે આગ દુર્ઘટનામાં બન્નેનું મોત થયું હતું.
કોર્પોરેશનના આ રિપોર્ટના કારણે તમામ ડોક્યુમેન્ટ અને ઇન્સ્યોરેન્સનો દાવો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત મળવાની આર્થિક સહાય પણ મળી શકતી નથી. પરિવારનો એક દીકરો વિદેશથી આવવા ઈચ્છતો હતો. જે કોરોના વાઇરસના સંક્રમણને કારણે આવી શક્યો નથી.
4 દિવસ બાદ સફાળી જાગેલી પોલીસે હોસ્પિટલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, આરોપીઓને કડક સજા થવી જોઈએ. હોસ્પિટલની બેદરકારીને કારણે તેમને પરિવારના બે સભ્યો ગુમાવ્યા છે. કોરોના શબ્દ મૃતકના પરિવારજન માટે આઘાતજનક સાબિત થયો છે. સારવારમાં લાખો રૂપિયા ખર્ચવા છતા, આજે તેમના સ્વજનો તેમની સાથે નથી. હાલ આ લાચાર પરિવાર સરકાર પાસે સહાય અને ન્યાયની માંગણી કરી રહ્યો છે. તેમને ન્યાય ક્યારે મળશે એ તો હવે સમય જ બતાવશે.
જાણો શું છે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાત્રીએ લાગેલી આગની ઘટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. આ સાથે જ સમગ્ર ઘટના અંગે 2 અધિકારોની નિમણૂક કરીને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી. જેના 3 દિવસ બાદ શનિવારે રિપોર્ટ આપવાનો હતો, પરંતુ સોમવારે કમિટીના સભ્યો દ્વારા આ રિપોર્ટ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો હતો.
6 ઓગસ્ટ - અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત
અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીના મોત નીપજ્યાં હતા. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના માટેની હોસ્પિટલ જાહેર કરાઈ હતી. હોસ્પિટલમાં 49 કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. આ આગ રાત્રે 3:00 કલાકે લાગી હતી અને 4:20 કલાકે બુઝાવામાં આવી હતી. આ આગમાં 5 પુરૂષ અને 3 મહિલાના મોત થયા હતા. જ્યારે 1 પેરામેડીકલ કર્માચારીને ઇજા પહોંચી હતી.