- સરકારી યોજનાઓ આરંભે સુરા..
- શ્રેષ્ઠ શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ હાલતમાં...
- બાંધકામ ક્ષેત્રના હજારો શ્રમિકો શરૂઆતથી લાભ લેતા હતા
અમદાવાદ: શહેરની અત્યંત ભાગદોડ વાળી જિંદગીમાં રોજબરોજ અનેક લોકો સામેલ થાય છે. બાંધકામ જેવા ક્ષેત્રમાં હજારો શ્રમિકોને વહેલી સવારે ઉઠતાની સાથે જ પોતાનું કામ નિપટાવી મજૂરીની શોધમાં નિકળવાનું હોય છે. શ્રમિકોનો સવારનો સમય બચી જાય અને પોષણ યુક્ત, તાજું ભોજન ફક્ત દશ રુપિયા જેવી રકમમાં મળી રહે એવી સરકાર દ્વારા સુંદર યોજના બનાવવામાં આવી હતી.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં નક્કી કરાયેલ જગ્યાઓ પર કેબિન મુકી ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. કડિયા નાકાઓ પર મુકવામાં આવેલી કેબિન પર કૂપન બારી પાસે કતારો લગાવી સસ્તા અને તાજા ભોજનનો હજારો શ્રમિકોએ લાભ પણ લીધો હતો.

આરંભે સુરા અને કાગળ પર જ રૂપાળી એવી સરકારી યોજનાઓની જેમ શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કેટલાક વિસ્તારોની કેબિનો હાલ ભંગાર હાલતમાં પડી છે. તો કેટલાક વિસ્તારોમાં સ્થાપિત હિતો એ અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધુ છે.

અમદાવાદ શહેરના દરિયાપુર દરવાજા બહારથી ઈદગાહ તરફ જતા માર્ગ પર મુકવામાં આવેલી શ્રમિકોના ભોજન માટેની કેબિન પાસે પંચરના પાટિયા લાગી ગયા છે. જ્યા શ્રમિકો ભોજન પીરસી તૃપ્ત કરાતા હતા એ કેબિન પર ટાયર ટ્યુબ લટકતા જોવા મળી રહ્યાં છે.