- કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક યોજવા માટે પણ તૈયાર છે બાપુ
- હું કોંગ્રેસમાં જોડાઉં તેવી લોકલાગણી છે : શંકરસિંહ
- હું બિનશરતી રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈશ : વાઘેલા
અમદાવાદ : પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પાર્ટી બોલાવશે, તો હું કોંગ્રેસમાં ફરી જોડાવા તૈયાર છું. હાઈકમાન્ડ સાથે બેઠક યોજવા માટે પણ તૈયાર છું. હું ભાજપ સામે લડવા માટે કંઈપણ કરવું પડે તે કરીશ.
હાલ મારી કોઈ સાથે આ અંગે વાત થઇ નથી
શંકરસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીમાં જઈને યોગ્ય સમયે જઈને નિર્ણય કરીશ. હાલ મારી કોઈ સાથે આ અંગે વાત થઇ નથી. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી મને કહેશે કે, તમે કોંગ્રેસમાં જોડાઓ તો હું જોડાવવા માટે તૈયાર છું. હું બિનશરતી રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈશ. મારે જે ભોગવવાનું હતું તે મેં ભોગવી લીધેલું છે. ભાજપ સરકારના આવા શાસન સામે હું કોંગ્રેસ પાર્ટીમાં જવા માટે તૈયાર છું.
લોકોલાગણી છે કે, હું કોંગ્રેસમાં જોડાઉં : પૂર્વ મુખ્યપ્રધાન
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલના અવસાન સમયે હું સ્મશાનવિધિમાં ગયો હતો, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકોએ હું કોંગ્રેસમાં જોડાઉં તેવી લાગણી વ્યક્ત કરી હતી.