અમદાવાદ: ઉનાળાના સમયમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે. જેથી ઈટીવી ભારતે શહેરના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે આગથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી મેળવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે ઉનાળા દરમિયાન તાપમાન વધુ હોવાથી ઘરમાં કે કામ કરવાના સ્થળે ઝડપથી આગ પકડનારી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આ ઉપરાંત ઉનાળો આવે તે અગાઉ ઇલેક્ટ્રિશિયન પાસે ઘરના તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સર્વિસ કરાવી લેવી જોઈએ. આ સાથે જ ઘરમાં તેમજ કામના સ્થળે ઈમરજન્સી એક્ઝિટનો દરવાજો પણ રાખવો જોઈએ. આ ઉપરાંત હવા ઉજાસ માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું કે, વેલ્ડીંગ, ગેસ કટીંગ વગેરે કાર્ય કરતી વખતે અગ્નિશામક સાધનો સાથે રાખવા જોઈએ અને સુરક્ષા ઉપકરણો પણ પહેરવા જોઈએ. આ ઉપરાંત હંમેશા ફર્સ્ટએડ કીટ પોતાની પાસે જ રાખવી જોઇએ.
આગથી બચવા માટે તેમણે જણાવ્યું કે, આગ લાગે ત્યારે સૌપ્રથમ જે પણ રસ્તો મળે ત્યાંથી બહાર નીકળી જવું જોઈએ. ઉતાવળમાં જીવ જોખમમાં મુક્યા વિના ફાયર સેફટીના નિયમો પાળવા જોઈએ. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી વિવિધ મોક ડ્રિલ તેમજ સમાચારોથી અવગત રહેવું જોઈએ. જેથી જાનમાલની મોટી નુકસાનીથી બચી શકાય.