અમદાવાદ: શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યાભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. તેમના જમણા હાથમાં જપની માળાઅને ડાબા હાથમાં કમંડળ હોય છે. હિમાલય પુત્રી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા અતિ કઠિન તપ કર્યું હતું. એક હજાર વર્ષ સુધી ફક્ત ફળફૂલ ખાધા હતાં. ટાઢ-તડકો વેઠ્યા હતાં. આવા અતિશય તપના કારણે બ્રહ્માજીએ પ્રસન્ન થઇ વરદાન આપ્યું હતું કે, દેવી તમને ભગવાન શંકર પતિના રૂપમાં ચોક્કસ મળશે. માતા બ્રહ્મચારિણીને ભક્તો અને સિદ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળાં કહેવાયાં છે. માતા બ્રહ્મચારિણીની ઉપાસના થકી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમના ગુણોમાં વધારો થાય છે. જીવનમાં આવતાં પડકારો, સંઘર્ષો દરમિયાન પણ ભક્તનું ચિત્ત કર્તવ્ય પથથી વિચલિત થયું નથી. માતા બ્રહ્મચારિણીની કૃપાથી ભક્તને બધે જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રિના બીજા દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે. માતા બ્રહ્મચારિણીના દૈવીય સ્મરણ માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે. दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||
માતા બ્રહ્મચારિણીની ઉપાસના માટે આ ધ્યાનમંત્ર પણ જણાવવામાં આવેલો છે. શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્.
ભાગવતાચાર્ય શાસ્ત્રી પ્રકાશ જોશીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આવો આપણે નવરાત્રિના બીજા દિવસે માતા ભગવતીનું ધ્યાન ધરીએ. બ્રહ્મચારણીનો અર્થ થાય છે કે તપસ્યા. મા ભગવતી એ આરાધના અને તપસ્યાની દેવી છે. આજના દિવસે મૌન પાળીને આપણે તપસ્યા કરીએ તો મા ભગવતી સર્વ મનોકામના પૂર્ણ કરે છે. આસો મહિનાની સુદ બીજ ખૂબ જ પવિત્ર છે. જે દિવસે ભક્તિ કરવાથી અનેકગણું ફળ મળે છે. મા ચાર ભુજા સ્વરૂપવાળી છે. આજના દિવસે રીમ નમોના મંત્રનો જાપ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. આજના દિવસે પીળા ફૂલથી પૂજા કરવી જોઈએ. મહામાયા યોગશક્તિ પરામ્બિકા તરીકે જેમની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પૂજા કરે છે ત્યારે તંત્રશાસ્ત્રમાં પણ મહાશક્તિના યજ્ઞયાગ અને તપસ્યા થકી અનંત સુખની પ્રાપ્તિ થવાનો ભક્તોનો અનુભવ છે.
એટલે જ કહેવાયું છે કે, હે જગન્નમયી દેવી આપ આ બ્રહ્માંડને ધારણ કરવાવાળાં છો. આપનાથી જગતનું સર્જન થાય છે, પાલન થાય છે અને કલ્પના અંતે વિલય થાય છે. જિજ્ઞાસુઓ માતાના અપંરપાર મહિમાને જાણવા માટે બ્રહ્માજી રચિત દેવી સ્તુતિમાંથી મહાશક્તિનો મહિમા જાણવા પ્રયત્ન કરતાં રહે છે. એવા મહાશક્તિ નવદુર્ગાના દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારિણીને બીજા નોરતે ભાવસભર નમન કરીએ.