અમદાવાદ: વિરમગામ માંડલ SBI બેંકનું ATM છેલ્લાં 20 દિવસથી બંધ છે. દેશભરમાં હાલ વર્તમાન સમયમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે અને માર્ચ-એપ્રિલ અને મે મહિના સુધી સમગ્ર ભારતમાં સળંગ ત્રણ માસ સુધી લોકડાઉન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે સમયગાળામાં પ્રજા પાસે જૂની આવક અને પોતાએ કમાયેલી બચતમાંથી ઘર પરિવાર ચલાવ્યો હતો.
જો કે, કોરોના કોરોના કરતાં આજે સાત મહિના બાદ પણ હજુ દેશની પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. લોકોના રોજગાર ધંધા ભાંગી પડ્યા છે. જેના કારણે હવે આર્થિક સ્થિતિ કપરી બનતાં માંડલ અને તાલુકાની પ્રજા બેન્કમાંથી પોતાના ખાતામાંથી નાણાં ઉપાડવા મજબૂર થઈ છે.
કોરોનાના સંકટ વચ્ચે માંડલની સ્ટેટ બેન્કમાં દરરોજ ગ્રાહકોની ભીડ જામે છે. જો કે, બાજુમાં આવેલ ATM છેલ્લા 20 દિવસથી બંધ છે. જેના કારણે પૈસા ઉપાડવાની ભીડ પણ બેંકની અંદર હોય છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો પણ મંડરાયેલો છે. જો આ ATM શરૂ થાય તો પૈસા ઉપાડવા વાળા ગ્રાહકોની ભીડ બેંકની અંદર જામે નહીં.