- આજે મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
- 6 મહાનગરપાલિકનું ચિત્ર થશે સ્પષ્ટ
- સૌથી વધુ જામનગર મહાનગરપાલિકામાં થયું હતું મતદાન
ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન રવિવારે પૂર્ણ થયું હતું. ધારણાં કરતાં આ વખતે ખૂબ ઓછું મતદાન નોંધાયું હતું, જે રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો હતો, ત્યારે આજે મંગળવારે આ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને જાણવા મળશે કે, શહેરમાં કોની બનશે સરકાર?
6 મહાનગરપાલિકામાં સરેરાશ 42-43 ટકા મતદાન
ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછું સરેરાસ 42-43 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં અમદાવાદમાં સૌથી ઓછું અને જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું.
6 મનપામાં મતદાનની ટકાવારી
- જામનગર 51.37 ટકા
- ભાવનગર 43.66 ટકા
- રાજકોટ 47.27 ટકા
- વડોદરા 43.53 ટકા
- સુરત 43.82 ટકા
- અમદાવાદ 38.73 ટકા
અમદાવાદ મહાનગરપાલિકા
અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકમાં 771 ઉમેદવાર મેદાનમાં આવ્યા હતા. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ હતો. આ સાથે જ પ્રથમ વખત ગુજરાતમાં દાવ ખેલનારી AIMIM પાર્ટી પણ બેઠક જીતવામાં સફળ રહેવાનો IBનો રિપોર્ટ આવ્યો છે. આજે મંગળવારે આ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
જામનગર મહાનગરપાલિકા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. આ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે કુલ 3000 કર્મચારીને તૈનાત રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જામનગરની 64 બેઠકો માટે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.
રાજકોટ મહાનગરપાલિકા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વોર્ડની 72 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીના રોજ યોજવાની છે. આ બેઠકો માટે ભાજપ- કોંગ્રેસ સહિતના પક્ષોના કુલ 293 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના 72, કોંગ્રેસના 70, આપના 72, જ્યારે 20 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર કોંગ્રેસનું શાસન આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડની 76 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 542 ઉમેદવારોનું ભાવિ આજે મંગળવારે ખુલશે.
સુરત મહાનગરપાલિકા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 30 વોર્ડની 120 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 120 બેઠકો ઉપર 484 ઉમેદવારોએ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. જેમાં ભાજપ 120, કોંગ્રેસ 117, આપ 114 અને અપક્ષના ઉમેદવારો 55 છે. હવે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષમાંથી સુરતમાં કોણ આગળ આવશે તે આજે મંગળવારે નક્કી થશે.
ભાવનગર મહાનગરપાલિકા
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 52 બેઠકો પર રવિવારે મતદાન યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ 211 ઉમેદવારોનું ભાવિ આજે મંગળવારે ખુલશે.