- ગુજરાત વેપારી મહામંડળની ગૃહપ્રધાનને રજૂઆત
- આગામી દિવસોમાં રાત્રે 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહે તેવી મંજૂરી આપવા લખ્યો પત્ર
- GCCIએ રાજ્યના ગૃહપ્રધાનને 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા દેવા કરી રજૂઆત
અમદાવાદઃ કોરોના મહામારીના કારણે અનેક પરિવારો અને વેપારીઓને ધાર્યું કરતા વધુ નુકસાન અને વિકટ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ મહામારી પણ ખુબ જ વિકટ હોવાથી સરકાર પણ તે સમયે અસમંજસમાં જોવા મળી રહી હતી. ત્યારબાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે અનલોક થયા ફરી ધંધો વેપાર રાબેતા મુજબ ધીમે-ધીમે શરૂ થઈ રહ્યો છે. જો કે દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે લોકો ખરીદી કરવાનું હાલ ટાળી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે.
12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનું પાછળ શુ રહેલું છે કારણ
વેપારી મહામંડળનું માનવું છે કે હાલ વેપાર ધંધો જોઈએ તેવો જોવા મળી નથી રહ્યો. પરંતુ ધીમે ધીમે બજાર રાબેતા મુજબ થઈ રહ્યું છે. લોકડાઉન બાદ અને નાના વેપારીઓને મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ 12 વાગ્યા સુધી ચાલુ રહે તો માર્કેટ ખુલ્લું રહેતો વેપાર ધંધામાં વધારો થઈ શકે છે. બીજી તરફ દિવાળીને પણ ગણતરીના દિવસો બાકી છે. જેને લઈ રાજ્યના ગૃહપ્રધાન 12 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની મંજૂરી આપે તેવી GCCI દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આપને ખબર હશે કે આ વર્ષે COVID 19 મહામારીને કારણે વેપાર-ઉદ્યોગને ખુબ જ કપરા સમયમાંથી પસાર થવું પડયું છે અને ભવિષ્યમાં તેમને ટકી રહેવા માટે પણ મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ સંજોગોમાં આવનારા દિવાળીના તહેવારના દિવસોમાં જો દુકાનદારો અને ધંધાર્થીઓને રાત્રીના 12 વાગ્યા સુધી તેમનો ધંધો ચાલુ રાખવા મળે તો તહેવારના આ સમયમાં થતી ખરીદીનો તેમને પુરતો લાભ મળી શકે, જેથી તેમના વેપાર-ધંધાને ખુબ જરૂરી તેવું પ્રોત્સાહન મળી રહેશે અને આ સમય દરમ્યાન થતા નફાને કારણે તેઓ આવનારા સમયમાં તેમનું અસ્તિત્વ ટકાવી રાખી શકશે.
વધુમાં રજૂઆત કરી હતી કે આવનારા દિવાળીના તહેવારના દિવસો સુધી દુકાનો અને નાના વેપાર - ધંધાને રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી સ્પષ્ટતા બહાર પાડવા અને તેની સાથો સાથ પોલીસ વિભાગને પણ આ અંગેની યોગ્ય માર્ગદર્શિકા આપવા આપને નમ્ર વિનંતી કરીએ છીએ. અમને ખાતરી છે કે નાના દુકાનદારો અને ધંધાર્થીઓના હિતમાં આપ જરૂરથી ઉપરોક્ત સકારાત્મક નિર્ણય લેશો.