અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓનું અભ્યાસ અને વર્ષના બગડે તે હેતુથી ઓનલાઇન ટીચિંગ અને ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી છે.
તાજેતરમાં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ અને બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઓનલાઇન પરીક્ષાની ભવ્ય સફળતા અને વિદ્યાર્થીઓની માંગણીને માન્ય રાખીને GTU દ્વારા ત્રીજા તબક્કામાં પણ ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષે આગામી તારીખ 21 સપ્ટેમ્બરથી ડિપ્લોમા, યુજી અને પીજીના તમામ શાખાઓના બાકી રહેલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે. જેનું રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાયું છે.
વિદ્યાર્થીઓ મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે. ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું રજીસ્ટ્રેશન તા. 3થી 8 સપ્ટેમ્બર સુધી GTUની વેબસાઈટ પર કરી શકાશે. પ્રથમ બે તબક્કાની ઓનલાઇન પરીક્ષાના સફળ આયોજન પછી બાકી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા તેમજ ઈ-મેઈલ દ્વારા ત્રીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા લેવાની માંગણી કરવામાં આવી હતી. GTU દ્વારા વિદ્યાર્થીઓની આ માંગણીને માન્ય રાખીને વિદ્યાર્થીઓ માટેનો હિતલક્ષી નિર્ણય કર્યો છે.
GTUના ડીગ્રી, ડિપ્લોમા, એન્જીનીયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષના સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 9920 વિદ્યાર્થીઓને હજુ પરીક્ષા આપવાની બાકી છે. જ્યારે અગાઉ બે વખત યોજાયેલી ઓનલાઇન પરીક્ષામાં 46,000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા આપી હતી. બાકી રહેલા 9920 વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જે 8 તારીખ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ હવે પછીની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે સ્પષ્ટ થશે.