- ગત વર્ષે ધોરણ-1માં 1,826 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો
- છેલ્લા સાત વર્ષમાં 36,264 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી કોર્પોરેશનની સ્કૂલોમાં પ્રવેશ લીધો
- પ્રથમવાર સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે નેતાઓની ભલામણો આવી
અમદાવાદ: જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પ્રવેશ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જેમાં છેલ્લા પંદર દિવસમાં 16 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ધોરણ એકમાં પ્રવેશ લીધો છે, ત્યારે ગત વર્ષે ધોરણ-1માં 1,826 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે ખાનગી સ્કુલમાંથી LC લઇને કોર્પોરેશનની સ્કૂલમાં પ્રવેશ લેનાર બાળકોની સંખ્યા વધી રહી છે.
સરકારી શાળાઓની સુધરતી જતી ગુણવત્તા હોઈ શકે છે કારણ
કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં 1,50,392 વિદ્યાર્થીઓ છે. ત્યારે છેલ્લા સાત વર્ષમાં 36,264 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી કોર્પોરેશનની સ્કૂલોમાં પ્રવેશ લીધો છે. ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સ્કૂલો તૈયાર કરવામા આવે છે અને હાઈ-એજ્યુકેશન મેળવેલા શિક્ષકોને જ લેવામા આવી રહ્યા છે, તેનાથી શિક્ષણમાં ગુણવત્તા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે છે. જ્યારે હાલમાં સરકારી સ્કૂલની બેઠકો મર્યાદિત હોવાથી એડમિશન ફુલ થઈ ગયા છે, ત્યારે હાલમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. સરકારી સ્કૂલોમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈને અનેક સુવિધાઓ પણ આપવામા આવે છે.
આ પણ વાંચો: સરકારી પ્રાથમિક શાળાઓમાં એડમિશન વધ્યા, વાલીઓનો ખાનગી શાળો પરથી મોહભંગ
વાલીઓની આર્થિક સ્થિતી જવાબદાર
આ મામલે AMC સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે નેતાઓની ભલામણો આવી રહી છે. તેમનું કહેવું છે કે, કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી લોકો વધારે સરકારી સ્કૂલમાં પ્રવેશ લઇ રહ્યા છે, ખાનગી સ્કૂલ સંચાલકોએ શિક્ષણને વ્યાપાર બનાવી દીધો છે.