● લોકડાઉનની અસરમાંથી બહાર નીકળતું ઓટો માર્કેટ
● RTO કચેરીમાં ફરી વધ્યા વાહનોના રજીસ્ટ્રેશન
● દર મહિને 11 હજાર જેટલા રજીસ્ટ્રેશન
અમદાવાદ: કોરોના વાઈરસને કારણે થયેલા લોકડાઉન બાદ અમદાવાદ RTOની સેવાઓ જૂન મહિનાથી ફરી શરૂ થઈ હતી. ત્યારે કોરોનાને ધ્યાનમાં લઈને ફેસલેસ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી હતી. જેમાં 2010 પછીનો તમામ ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે. ઘરે બેસીને કોઈપણ વ્યક્તિ RTOની મોટાભાગની સેવા મેળવી શકે છે.
પહેલા દર મહિને એવરેજ 15 હજાર જેટલા રજિસ્ટ્રેશન થતા હતા
લોકડાઉનને કારણે ગત વર્ષ કરતા આ વર્ષે વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. પહેલા એવરેજ દર મહિને 15 હજાર જેટલા વાહનોનું રજીસ્ટ્રેશન થતું હતું. જે લોકડાઉન બાદ જૂન મહિનામાં અરજદારો માટે RTO ખુલ્યા બાદ મહિનામાં એવરેજ 3-5 હજારની આસપાસ રહ્યું હતું. જો કે હવે ફરીથી વ્યવસ્થાઓ નિયમિત થતા વાહનોનું રજીસ્ટ્રેશન મહિને 11 હજારની આસપાસ પહોંચ્યું છે.
પ્રાઇવેટ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન
RTO ઓફીસમાં નાણાકીય વર્ષ પ્રમાણે 2019માં પ્રાઇવેટ કારનું રજીસ્ટ્રેશન દર મહિને એવરેજ 3 હજારની આસપાસ રહેતું હતું. જ્યારે ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન મહિને એવરેજ 10 હજારની આસપાસ રહેતું હતું. ડિસેમ્બર-2020 સુધીનું કારનું એવરેજ રજીસ્ટ્રેશન 02 હજારની આસપાસ રહ્યું હતું. જ્યારે ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન 05 હજારની આસપાસ રહ્યું હતું. એટલે કે વાહનનું રજીસ્ટ્રેશન લગભગ અડધું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં RTOમાં ઓફીસ વર્ક સિવાયનું તમામ કાર્ય બંધ રહ્યું હતું અને જૂન મહિનામાં રજીસ્ટ્રેશન ખુલ્યું હતું. ઉપરાંત લોકોએ પણ ધીમે-ધીમે વાહનો ખરીદવાનું શરૂ કરતાં હવે ફરીથી પહેલાં જેટલા જ વાહનોનું રજીસ્ટ્રેશન નવા નાણાકીય વર્ષથી દેખાય તેવી સંભાવના છે.