- દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો
- શહેરમાં 8 ડોક્ટર સહિત કુલ 13 દર્દીને બીજી વખત ચેપ લાગ્યો
- કોરોનાએ હેરિટેજ વિભાગના મેનેજરનો લીધો ભોગ
અમદાવાદઃ અમદાવાદના હેરિટેજ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પી. કે. વાસુદેવન નાયરનું કોરોનાને કારણે અવસાન થયું છે. કોર્પોરેશન ઓફિસમાં કેટલાક ભાગને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકવા પડે તેવી પરિસ્થિતિનું દિવાળી પહેલાં જ નિર્માણ થયું હતું. તો બીજી તરફ અનેક કિસ્સા એવા સામે આવ્યા છે, જેમાં અધિકારીઓ કે કર્મચારીઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. મ્યુનિ. કચેરીમાં તો દિવાળી પહેલાં જ કોરોના સંક્રમણની સ્થિતિ સતત વધી રહી હતી, જેમાં ઓડિટ વિભાગ, પ્લાનિંગ વિભાગ, પાણી પૂરવઠા વિભાગ સહિત અનેક વિભાગોને તો પહેલેથી જ બંધ થઈ ગયાં હતાં. મ્યુનિ. કચેરીના છઠ્ઠા માળે લગભગ તમામ વિભાગો બંધ થઈ ગયા છે.
મ્યુનિસિપલ કર્મચારીઓ ફરી બન્યા કોરોનાનો ભોગ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના એક અધિકારી, વિજિલન્સ વિભાગના એક અધિકારી સહિત 4થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ ફરીથી કોરોના સંક્રમિત થાય છે. મોટા ભાગના અધિકારી-કર્મચારીઓ હોમ આઇસોલેસનમાં છે. આ ઉપરાંત હેલ્થ વિભાગના પણ કેટલાક અધિકારીઓ કોરોના ઝપેટમાં આવી ગયા છે.
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફ સહિત 60ને કોરોના
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના અધિકારી અગાઉ જુલાઈ મહિનામાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને ટેસ્ટ સમયે પણ કોઈ લક્ષણો ન હતા. જોકે, તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓ સમરસ હોસ્ટેલમાં દાખલ થયા હતા. ત્યારબાદ આ વખતે પણ તેમનો ટેસ્ટ કરવામાં આવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોઈ લક્ષણો નથી. તેમને હાલ હોમ ક્વૉરન્ટાઈન થવા સૂચના આપવામાં આવી છે. DyMC આર. કે મહેતા અગાઉ જૂન મહિનામાં જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. એ સમયે તેમને કોરોનાનાં લક્ષણો જણાયા ન હતા, પરંતુ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.