અમદાવાદ : છેલ્લાં એક મહિનામાં લગભગ પેટ્રોલ અને ડીઝલ એમ બંનેના ભાવમાં દસ રૂપિયા કરતાં વધુનો વધારો થઈ ચૂક્યો છે, ત્યારે મોંઘવારી પણ વઘી છે. તો બીજી તરફ કોરોના વાઇરસને કારણે ત્રણ મહિનાથી પણ વધુ સમયથી શાળાઓ બંધ હોવા છતાં પ્રાઇવેટ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જબરજસ્તી ફીની ઊઘરાણી કરવામાં આવે છે. તેને લઈને પણ નાગરિકો પરેશાન છે, ત્યારે નાગરિકોની સમસ્યાઓને વાચા આપવા રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે સરકાર સુધી લોકોના અવાજ પહોંચાડવા કલેક્ટર કે.કે નિરાલાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતના સમગ્ર 33 જિલ્લાઓમાં આવા કાર્યક્રમનું આજે આયોજન કરાયું હતું. રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કિશોર તનવાનીએ ચેતવણી પણ આપી હતી કે, જો સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.