- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમદાવાદ મેટ્રો કોર્ટે આપી રાહત
- રાહુલ ગાંધીના વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી
- જરૂરી લાગે તો હાજર રહેવું પડશે: કોર્ટ
અમદાવાદઃ અમદાવાદ મેટ્રો કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. રાહુલ ગાંધીના વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધી અનેક પ્રકારની રાજકીય અને સામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. જેથી તે દરેક મુદ્દતે કોર્ટમાં હાજર રહી શકે નહીં. આ અરજીને કોર્ટે માન્ય રાખી છે અને દર મુદ્દેતે હાજર રહેવામાંથી મુક્તિ આપી છે.
શું છે સમગ્ર મામલો ?
લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતા. જેથી અમદાવાદના કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આથી કોર્ટે જે તે સમયે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કર્યુ હતું અને 9 ઓગસ્ટે સુનાવણી રાખી હતી, પરંતુ રાહુલ ગાંધી હાજર રહ્યા નહોતા.
કેસમાં આગળ જરૂર પડશે તો રાહુલ ગાંધીએ હાજર રહેવુ પડશે: કોર્ટ
કોર્ટે રાહુલ ગાંધીને દરેક મુદ્તે હાજર રહેવામાંથી મુક્તિ આપતા કહ્યું કે, કેસમાં આગળ જ્યારે પણ જરૂર પડશે ત્યારે રાહુલ ગાંધીએ હાજર રહેવુ પડશે. જે અંગેની બાંહેધરી અગાઉ પણ તેમના વકીલ દ્વારા આપવમાં આવી હતી.