- ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું થયું નિધન
- વડાપ્રધાન મોદી સ્વ. કેશુભાઈ પટેલના પરિવારની મુલાકાત લેશે
- વડાપ્રધાન આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે
- વડાપ્રધાન સ્વ. નરેશ કનોડિયાના પરિવારને પણ મળે તેવી સંભાવના
અમદાવાદઃ આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થતા ભાજપના તમામ મોટા નેતાઓ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલના પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના આપશે.
વડાપ્રધાન સ્વ. નરેશ કનોડિયાના પરિવારની મુલાકાત લે તેવી સંભાવના
મહત્ત્વનું છે કે, ગુજરાતે એક જ અઠવાડિયામાં ગુજરાતના 3 મહાન વ્યક્તિને ગુમાવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર સ્વ. નરેશ કનોડિયાના પરિવારની પણ મુલાકાત લે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓ માતા હીરા બાના આશીર્વાદ લેવા તેમના ઘરે અચૂક જતા હોય છે. ત્યારે વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આ વખતે પણ હીરા બાના આશીર્વાદ લેવા જશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.