RTS સ્ટેશનની ઘંટીમાં કચરો પડ્યો રહ્યો છે, જેથી ડોર ટૂ ડોરના વાહનોને RTS સ્ટેશન ઉપર કચરો ઠાલવવા 5થી 6 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. જેથી જે ડોર ટુ ડોરના વાહનોને તેમના નિર્ધારિત રૂટ ઉપર 4થી 5 ફૅરા કરવાના હોય છે તે માત્ર બે ફેરા કરી શકે છે. આમ આખા શહેરના તમામ RTS સ્ટેશનની આ સ્થિતિ છે. જેના લીધે છેલ્લા એક મહિનાથી શહેરમાંથી 50 ટકા કચરો ઉપડી રહ્યો નથી. ઠેર ઠેર કચરાના ઢગલા થઈ ગયા છે, રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતાએ ખાડિયા RTSની મુલાકાત લીધી તો આ હકીકત સામે આવી હતી અને તેમણે કમિશ્નરને પણ જાણ કરી છે.
આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે ખડીયા RTS સ્ટેશનની મુલાકાત લીધી હતી, પરંતુ અહીં સ્થળ ઉપર એકપણ અધિકારી હાજર ન હતો. ડોર ટુ ડોરના વાહનોની લાઈનો હતી અને ઘંટીમાં કચરો પડ્યો હતો. આ કચરો ત્રણ ચાર કલાક સુધી ઉપડતો નથી. આમ સ્થિતિ એવી છે કે, શહેરમાં છેલ્લા એક મહિનાથી 50 ટકા કચરો ઉપડતો નથી. શહેરમાં ઠેર ઠેર ઢગલા થઈ રહ્યા છે, રોગચાળો વધી રહ્યો છે પણ ભાજપના સત્તાધીશોને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખકારીની ચિંતા નથી.
દર વર્ષે ચોમાસામાં શહેરની પીરાણા ડમ્પ સાઈટ ઉપર કચરો પડવાના કિસ્સા સામે આવે છે. કચરાથી રોડ દબાઈ જવાના કિસ્સાઓ પણ બને છે. પીરાણા ડમ્પ સાઈટ ઉપર જતાં કાચા રસ્તાઓ કિચડથી ખદબદે છે. આ વર્ષે ચોમાસામાં પીરાણા ડમ્પ સાઈટ ઉપર નવો કચરો ઠાલવવાના કાચા રસ્તામાં વાહનો ફસાઈ જાય છે. જેથી RTS સ્ટેશનથી કચરો ઉપાડી જનારા હુક લોડર વાહનો પીરાણા ડમ્પ સાઈટ ઉપર ફસાઈ જાય છે. AMC એ 100 કરોડનો યુઝર ચાર્જનો બોજ અમદાવાદના નાગરિકોના માથે નાખ્યો છે અને કચરો તો ઉપડી રહ્યો નથી.