અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશનથી પહેલી ટ્રેન 1,200 જેટલા પરપ્રાંતીયોને લઈને ઉત્તર પ્રદેશના આગ્રા જવા રવાના થઈ હતી, પરંતુ ત્યારબાદની ટ્રેન લગભગ સાત વાગ્યાની હતી અને 9 વાગે રવાના થવાની હતી. ટ્રેન લગભગ મોડી રાત્રે એક વાગ્યે સ્ટેશન પર પહોંચી હતી અને અંદાજે 3 વાગે અમદાવાદથી ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી. એટલે કે, ટ્રેન લગભગ 6 કલાક જેટલી મોડી પડી હતી.
આ ટ્રેનમાં 1,150 જેટલા પરપ્રાંતીયો ઉત્તર પ્રદેશ જવાના હતા. જેથી તેમને બપોરના 2 વાગ્યાથી રેલવે સ્ટેશન લાવી દેવામાં આવ્યા હતા અને તેમની ટ્રેન રાત્રે 3 વાગે રવાના થઈ હતી, તો શું તેમને 12 કલાક સુધી સ્ટેશન પર રાખવામાં આવ્યાં હતાં? જો કે, તંત્ર દ્વારા તેમને જમવાનું અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અત્યારે દેશમાં ઉનાળાની ઋતુ હોવાથી અમદાવાદનું તાપમાન પણ 42 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. એવામાં બપોરના સમયથી રાત્રિના મોડા સમય સુધી મહિલાઓ અને બાળકો એસ.ટીમાં ફસાયેલાં રહ્યાં હતા.
અહીંયા મોટો પ્રશ્ન એ છે કે, અત્યારે રેલવેની તમામ પેસેન્જર ટ્રેનો રદ્દ છે. ફક્ત અને ફક્ત માલવાહક ગાડીઓ શરૂ છે. રેલવે ઉપર પણ કામનો ભાર નથી તો, કયા કારણથી ટ્રેન લેટ થઈ ? શું ગુજરાત સરકારના અધિકારીઓ અને રેલવે તંત્રના અધિકારીઓ વચ્ચે મેનેજમેન્ટમાં ભૂલ થઈ હતી?
ટ્રેન લેટ થવાથી લોકોને 12 કલાક સ્ટેશન પર રઝડવાનો વારો આવ્યો હતો. ત્યારે પ્રશ્ન થાય કે, આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ?