અમદાવાદઃ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બી.જે.મેડીકલ કોલેજના નીતિ-નિયમો, ફરજો અને જવાબદારી, નિયમિતતા, દર્દીની સાર-સંભાળ, સંશોધન તેમજ મેડીકલ ફિલ્ડને સંલગ્ન વિવિધ મુદ્દાઓ વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી.
હાલમાં ચાલી રહેલી કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પી.જી ઓરિએન્ટેશન પ્રોગ્રામ-2020નું આયોજન ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું. પ્રતિદિન 110 વિદ્યાર્થીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. કુલ 322 પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) અને એમ.સી.આઈ (મેડીકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા)ની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓને રેગિંગના કાયદા વિશે સમજ પણ આપવામાં આવી હતી.
મહત્વનું છે કે, આજથી ત્રણ વર્ષ પહેલાં ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ ફેકલ્ટીના પૂર્વ ડીન મહેશ પટેલે કરાવી હતી. પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડિઝ એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. નીતાબેન મહેતા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બી.જે.મેડીકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહે વિદ્યાર્થીઓને પી.જી કોર્સમાં પ્રવેશ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડો.શાહે બી.જે.મેડીકલ કોલેજમાંથી સારો અભ્યાસ અને ટ્રેનિંગ પ્રાપ્ત કરીને સારા ડૉક્ટર બની સમાજની સેવા કરવા માટે અપીલ કરી હતી.
ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટના વડા, પ્રોફેસર અને ઓરિએન્ટેશન પ્રોગ્રામના કો-ઓર્ડિનેટર ડૉ.ચેતના દેસાઈએ જણાવ્યું હતું કે, પી.જીના વિદ્યાર્થીઓને નવા વાતાવરણમાં કામ કરવામાં સરળતા રહે તે માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. મેડીકલના વિદ્યાર્થીઓને દર્દીઓ સાથે વાતચીત કરવાની હોવાથી સોફ્ટ સ્કિલનું મહત્વ સવિશેષ છે. જેથી વિદ્યાર્થીઓમાં સોફ્ટ કમ્યુનિકેશન સ્કીલ ડેવલપ થાય તે માટે માહિતગાર કરાયા હતા.
એડિશનલ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રજનીશ પટેલે ઉમેર્યું કે પી.જી. કોર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા વર્ષના મેડીકલના વિદ્યાર્થીઓ સાથે એડજસ્ટ થઈ શકે તે માટે આ વર્ષથી મેન્ટરિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરાયુ છે. આ કાર્યક્રમથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થયો છે. હોસ્ટેલ, મેસ તેમજ જ્યાં પણ તકલીફ પડે ત્યાં જુનિયર્સ તેમના સિનિયરનું માર્ગદર્શન મેળવી શકે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સિનિયર્સ અને જુનિયર્સ વચ્ચે પરસ્પરની મદદ કરવા માટેની ભાવના વિકસે તેમજ સેતુ બંધાય તે હેતુથી મેન્ટરિંગ પ્રોગ્રામ પ્રારંભ કરવામાં આવ્યો છે.
પી.જી ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા, ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ ફેકલ્ટીના ડીન ડો.રશ્મિકાન્ત દવે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.