અમદાવાદઃ ઈશાની દવે ગરબા સિંગર તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને છેલ્લા 2 વર્ષેથી ભાવનગરમાં સૌથી મોટા આયોજન કે જ્યાં 5 થી 7 હજારના માનવ મહેરામણ વચ્ચે નવરાત્રીમાં ખેલૈયાઓને રમાડે છે. તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે સરકારની ગાઈડ લાઇન મુજબ નવરાત્રીનું આયોજન ના જ થવું જોઈએ, જેથી કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય અને લોકો આ રોગથી સુરક્ષિત રહી શકે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ખેલૈયાઓને નવરાત્રી દરમિયાન આ વર્ષે તેમની યુ ટ્યૂબ ચેનલ પર ઓનલાઇન ગરબા સંભળાવશે અને નવરાત્રીમાં માતાજીની ભક્તિ કરીને ઉજવણી કરવા તથા માતાજીને પ્રાર્થના કરવા જણાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું કે, આવતા વર્ષે નવરાત્રી દર વર્ષની માફક ઉજવી શકાય અને જલ્દીથી કોરોનાની રસી શોધાય જાય. ઈશાની દવેએ દરેક લોકોને માસ્ક પહેરવા, સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા જણાવ્યું છે અને આ વર્ષે દરેક તહેવારો ઓનલાઇન ઉજવવા કહ્યું હતું.