અમદાવાદઃ કોરોના કાળમાં શ્રમિકોનાને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે શુક્રવારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરાની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યમાં કુલ 22.5 લાખ જેટલા શ્રમિકો હોવાના દાવા સામે સરકારી ચોપડે માત્ર 7512 જ શ્રમિક હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયેલા જવાબ પ્રમાણે, સરકારના મતે માત્ર નોંધાયેલા શ્રમિકો માટે જ માઈગ્રન્ટ વર્કર્સ એક્ટ પ્રમાણે પેમેન્ટ કરવાની જવાબદારી સરકારની છે. 8 લાખથી વધુ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલી દેવામાં આવ્યા હોવાનું સરકાર દ્વારા પ્રેસનોટ કહેવામાં આવ્યું હતું. હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજુઆત કરવા આવી છે કે, શ્રમિકોને ST બસમાં તેમના વતન પરત મોકલવા એ વાયેબલ સોલ્યુશન નથી. શ્રમિકોને વતન પરત મોકલવા માટે રેલવે જ યોગ્ય માધ્યમ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે રાજ્ય સરકાર 8500 સરકારી પરિવહનની બસનો ઉપયોગ કરે. શ્રમિકો પાસેથી ખાનગી બસના ભાડા પેટે રૂપિયા 2000થી 10 હજાર રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું પણ જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય સરકાર બીજા અને ત્રીજા રાઉન્ડમાં રાશન કાર્ડ ધારક પરિવાર પ્રમાણે નહીં, પરંતુ વ્યક્તિ પ્રમાણે 1000 રૂપિયા કન્સ્ટ્રક્શન વર્કરને આપે તેવી પણ માંગ કરવામાં આવી છે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી વિવિધ અરજીઓમાં અન્ય ઘણા મુદ્દાઓ જેમકે શિક્ષણ વિભાગ બોર્ડની પરીક્ષા અંગે સ્પષ્ટતા કરે, વાળ કાપવા માટેના સલૂન સહિત દુકાનો ક્યારે ખોલવામાં આવશે. કોરોના વાઇરસને લઈને ટેસ્ટીંગ કેમ ઓછી થઇ રહી છે. સિવિલ હોસ્પિટલના કોરોના બેડ ભરાઈ ગયા હોવાથી સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા સહિતની માંગ સાથે અરજી પણ દાખલ કરવામાં આવી છે.