અમદાવાદ: 14 સપ્ટેમ્બરની દર વર્ષે હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે ભારતની સંવિધાન સભા દ્વારા 1949માં હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી હતી.
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા દ્વારા પણ આ દિવસની સમગ્ર દેશમાં હિન્દી ભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હિન્દીના પુરોધા ગણાતા રાજેન્દ્રસિંહે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો. જેથી તેમના 50મા જન્મદિનને હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું.
ઇંગ્લીશ અને મેન્ડેરીન બાદ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા તરીકે હિન્દી ભાષા ત્રીજા ક્રમે છે. હિન્દી ભાષાને સમૃદ્ધ કરવાનું કાર્ય કાકા કાલેલકર, મુન્શી પ્રેમચંદ, મૈથીલિશરણ ગુપ્ત જેવા અનેક લેખકોને ફાળે જાય છે.
આજના દિવસથી એક અઠવાડિયા સુધી હિન્દી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. જેમાં હિન્દી વિષય પર જુદી-જુદી સ્પર્ધાઓ જેમ કે, નિબંધ લેખન, વકૃત્વ સ્પર્ધા, ડિબેટ વગેરેનું આયોજન કરવામાં આવે છે. હિન્દી ભાષાની સૌથી જૂની અને સમૃદ્ધ સંસ્થા વારાણસી ખાતે આવેલી છે, પરંતુ તેની હાલત અત્યારે ઠીક નથી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા હિન્દી દિવસે ભારતીયોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.