અમદાવાદ: રોજગાર કચેરીના મદદનીશ નિયામક એસ.આર.વિજયવર્ગિય જણાવે છે કે, ‘અસીમ’ વેબપોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન રોજગાર મેળવવા માંગતા યુવાનો અને ઉદ્યોગો/નોકરીદાતા મેળવવા માટેનું એક ડિજિટલ કોમન-પ્લેટફોર્મ છે .


કોવિડ કાળમાં જ્યાં શ્રમિકો/કારીગર સ્થળાંતર કરી ગયા છે, તે શહેરો/રાજ્યોમાં હાલ પ્રાથમિક ધોરણે પોર્ટલ કાર્યરત થયું છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ આગામી એક માસમાં આ પોર્ટલ કાર્યરત થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે અમદાવાદ રોજગાર કચેરી દ્વારા નવીન કાર્યપદ્ધતિ અપનાવવામાં આવતા રોજગાર પ્રદાનનું કાર્ય અટક્યું નથી. લોકડાઉન દરમિયાન અત્યાર સુધી કુલ 8 ટેલી-ઇન્ટરવ્યૂ કમ ઑનલાઇન વેબીનાર થકી 900 થી વધુ યુવાનોને રોજગારી મળી છે.આ યુવાનોએ 9,000 થી 16,000 સુધીના પગારની નોકરી મેળવી છે.
8માં ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં નોકરીદાતા તરીકે આવેલા વિકાસ વર્મા કહે છે કે, અમદાવાદ રોજગાર કચેરીના આ નવતર અભિગમથી કોરોના કાળમાં રોજગારવાંછુઓ અને નોકરીદાતા વચ્ચેનો સેતુ જળવાઇ રહ્યો છે. NSDC કૃત ‘અસીમ’ પોર્ટલ આવવાને કારણે અમે ઉત્સાહીત છીએ.