- આજ દિન સુધી બડોદરા ગામમાં કોરોનાને પ્રવેશવા દેવામાં આવ્યો નથી
- બડોદરા ગામમાં ટેસ્ટિંગ કરાતા એક પણ કોરોના પોઝીટિવ ટેસ્ટ ન આવ્યો
- વેપારીઓ ખોટા ભાવ વધારા સાથે સામાન ન વેંચે તે માટેની પણ તકેદારી
અમદાવાદ: દસ્ક્રોઈ તાલુકાના બડોદરા ગામમાં કોરોનાને ગામમાં આવવા દેવામાં આવ્યો નથી. અહીં કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, આજ દિન સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગામમાં સંક્રમણ ન ફેલાય તે માટે બપોર બાદ ગામમાં સ્વેચ્છાએ સખત લોકડાઉનનું પાલન કરવામાં કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, શહેર તરફ જવાનો રસ્તો માંડ 2 કિમી દૂર હોવા છતાં ગામના લોકો સીમા ઓળંગી ગામ બહાર જતા નથી.
આ પણ વાંચો: અમદાવાદ ઘટતું કોરોનાનું સંક્રમણ, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઘટાડો
અન્ય લોકો ગામમાં કોરોના પ્રવેશ ન મેળવે તે માટેનો પ્રયત્ન
બરોદરા ગામમાં 4થી 5 હજારની વસ્તી રહે છે. તેમ છતાં, આજ દિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. અહીં ઠાકોર, મુસ્લિમ, વાલ્મિકી સમાજના તમામ લોકો હળીમળીને એકતાથી રહે છે. ગામમાં કોરોના પ્રવેશ ન મેળવે તે માટેનો પ્રયત્ન સૌ કોઈ પોતાની જવાબદારી સમજી કરી રહ્યા છે. અહીંના PHC સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ, કોરોનાની બીજી લહેર આવતા ગામમાં બપોરે 12 વાગ્યેથી 4 અને સાંજે 6 વાગ્યેથી બજાર બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત, ચાલુ બજારમાં ભીડ ભેગી ન થઇ જાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ધારાસભ્યએ ગામની રૂબરૂ મુલાકાત લીધી
ગામના આગેવાન જગદીશ કુમાર ઠાકોરે ETV Bharatને જણાવ્યું હતું કે, થોડા સમય અગાવું ધારાસભ્ય બાબુ પટેલે ગામની મુલાકાત લઇ અમને એક આઇસોલેશન વોર્ડ બનાવવા સૂચના આપી હતી. અત્યાર સુધી એક પણ કેસ ન નોંધાતા અમે ગામમાં સુવિધા ઉભી કરી ન હતી. પરંતુ, ધારાસભ્યના સૂચન બાદ ગામમાં પ્રાયોગિક ધોરણે ગ્રામ્ય શાળામાં આઇસોલેશન વોર્ડ બનવવામાં આવ્યો છે.
ગત અઠવાડિયે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છતા એક પણ પોઝિટિવ કેસ નહીં
ગામમાં ટેસ્ટિંગ કરાતા આરોગ્ય કર્મચારી જીતેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, હાલ અઠવાડિયાના અંતરાલે જુદા જુદા ગામોમાં RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ગત અઠવાડિયે બડોદરા ગામમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે, અહીં એક પણ ટેસ્ટ કોરોના પોઝીટિવ આવ્યો નથી.
આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યના દસ્ક્રોઈ તાલુકામાં સૌથી વધુ કુલ 39 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
ગામમાં 80 ટકા ખેડૂતોની વસ્તી ઉદાહરણરૂપ બની
ગામમાં વેપારીઓ સિવાય કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી અતિઆવશ્યક ન હોય ત્યાં સુધી ગામ બહાર જતા નથી. આ ઉપરાંત, વેપારીઓને પણ ચોક્કસ કાળજી લેવા માટે તાકીદ કરવામાં આવે છે. ગામમાં પાડવામાં આવતા સ્વયંભૂ લોકડાઉનનો લાભ લઇ વેપારીઓ ખોટા ભાવ વધારા સાથે સામાન ન વેંચે તે માટેની પણ તકેદારી લેવામાં આવી રહી છે.