- માર્કેટનો ઘટાડો નથી ખતરાની ઘંટી
- લાંબા સમયના રોકાણ માટે છે હાલ ઉત્તમ તકઃ નિષ્ણાત
- સટ્ટાબજારના લીધે ઉછાળો અને ઘટાડો આવ્યો છે તે સારી બાબત નથી
અમદાવાદઃ શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નરમાઈ જોવા મળી હતી. છેલ્લા પંદર દિવસથી સ્ટોક માર્કેટ હાલકડોલક થઈ રહ્યું છે. ઉપરમાં વેચવાલી આવી રહી છે. જો કે માર્ચ મહિનાના અંતના માહોલને લઇને શેરબજારમાં ઘટાડો આવી રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે. માર્કેટમાં જે ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેના લીધે કોઇ પણ જાતની મોટી નુકસાની પણ નથી. આ એક રોજબરોજની પ્રક્રિયા છે. છેલ્લાં 40થી 45 દિવસ પહેલાં જે ઉછાળો નોંધાયો હતો. તે બાદ હાલ માર્કેટ સ્ટેબલ થઇ રહ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માર્કેટમાં 52 હજારથી પણ વધારે પોઇન્ટનો ઉછાળો આવ્યા બાદ સતત ઘટાડો આવી રહ્યો છે, તેને નિષ્ણાતો સટ્ટાબજારની મૂવમેન્ટ માની રહ્યાં છે. જે કેટલાક હોલ્ડરો દ્વારા કામગીરી કરી થાડા સમયમાં બહાર નીકળી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ અસ્થિર સ્ટોક બજારોમાં નાના રોકાણકારો પોતાના નાણાંનું રક્ષણ કેવી રીતે કરી શકે?
રોકાણ માટે છે ઉત્તમ તકઃ નિષ્ણાત
અમદાવાદ શેરબજારના પૂર્વ પ્રમુખ દીપક શાહે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે માર્કેટમાં માહોલ બંધાયો છે. તે પ્રમાણે નવા રોકાણકારો અને લાંબા સમય સુધી રોકાણ કરતા લોકો માટે ઉત્તમ તક છે. શેરબજારમાં સટ્ટાકીય માહોલના લીધે કેટલાક લોકો દ્વારા ઉછાળો લાવવામાં આવે છે. તે માર્કેટ માટે સારૂં નથી. પરંતુ માર્કેટમાં બિઝનેસમાં વધારો થાય અને માર્કેટ ધીમે ધીમે ઉપર વધે તેમાં લોકોને ફાયદો છે. લોકોએ સારી કંપની જોઇને લાંબા સમય સુધી રોકાણ કરવા માટે હાલમાં સારો સમય ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે
નવી કંપનીઓમાંં રોકાણ ફાયદાકારક
હાલમાં નવી કંપનીઓ આવી રહી છે અને નવા IPO બજારમાં આવી રહ્યાં છે. તેને લઇને અમદાવાદ શેરબજારના પૂર્વ પ્રમુખ દીપક શાહે કહ્યું કે, નવી કંપનીઓનું માર્કેટમાં આવવું એ સારી વાત છે. ભારત દેશ આજે ગ્લોબલ માર્કેટ તરફ આગળ વધી રહ્યો છે અને વિશ્વના દેશોની સરખામણી કરી રહ્યો છે. વિશ્વની મોટી મોટી કંપનીઓ પણ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે. સરકારી કંપનીઓમાં પણ સરકાર પોતાનો હિસ્સો ઓછો કરી સારા ધંધાર્થીઓને સોંપી રહી છે. જેનાથી માર્કેટમાં વધુ રોકાણ થશે, તેનાથી છેવટે લોકોને જ મોટો ફાયદો થશેે.