- કોરોના સ્થિતિ છતાં યથાવત રહ્યાં ધાર્મિક કાર્યક્રમ
- મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયા છે લોકો
- કોરોના વકરવાનો ભય
ન્યૂઝ ડેસ્ક: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં નવા કોરોનાના સંક્રમિતોનો આંકડો 10,000થી વધારે નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે જાહેર થયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6,92,604 કોરોનાના કેસ નોંધાયા છે. અનેક હૉસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે આમ છતાં રાજ્યમાં ધાર્મિક મેળાઓ અટકવાનું નામ નથી લઇ રહ્યાં.
કચ્છમાં અનુયાયીઓ ભૂલ્યા ગાઇડલાઇન
મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છએ રવિવારે દુનિયાને અલવિદા કહી હતી. 97 વર્ષની જૈફ ઉંમરે કર્મભૂમિ માંડવી ખાતે તેમનો ઈન્તકાલ થતાં કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારના સભ્યો દ્વારા લોકો વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને દફનવિધિમાં ન જોડાય પણ લોકલાગણી એવી ઉમટી કે 300 થી 400 લોકોનો સમૂહ દફનવિધિમાં જોડાયો અને કોરોના ગાઇડલાઇનના છડે ચોક લીરા ઉડતા જોવા મળ્યા હતાં.
બળિયાદેવને રીઝવવાનો પ્રયત્ન
અમદાવાદના સાણંદ તાલુકાના નવપુરા અને નિદ્રા ગામ ખાતે લોકોમાં અફવા ઉડી હતી કે કોરોના એ બળીયાદેવ મહારાજનો પ્રકોપ છે. જેના કારણે ગ્રામજનોએ મંદિર ખાતે એકઠા થઈને માનતા માની હોવાની ઘટના સામે આવી હતી. લોકોએ સરઘસ કાઢ્યું અને આ મહિલાઓએ માથે બેડા લઈને બળીયાદેવ મહારાજને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ સરઘસમાં પણ કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લઘન જોવા મળ્યું, ન કોઇએ માસ્ક પહેર્યું, ના સોશિયલ ડિસ્ટન્સ જળવાયો. જોવા મળ્યો અવિરત માનવમહેરાણ. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગામના સરપંચ, DJ સંચાલક અને આગેવાનો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી છે.
રાયપુરમાં પણ સરઘસ કાઢતા 46 લોકોની અટકાયત
સાણંદ જેવો જ કિસ્સો ગાંધીનગરના રાયપુર ગામમાં બન્યો.જેમાં ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઢોલ, નગારા સાથે બળિયાદેવના મંદિરે પહોંચ્યા હતાં. આ સભામાં પણ કોરોના ગાઇડ લાઇનનો ફજેતો જ જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે ગુન્હો દાખલ કરીને 46 લોકોની અટકાયત કરી. DySp એમ. કે. રાણાએ જણાવ્યું કે, વીડિયો દ્વારા પોલીસે લોકોની ઓળખ કરીને તેમની પાસેથી માસ્ક ન પહેરવા અંગેનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
વધુ વાંચો: નવ-નવ વખત પ્લાઝમા ડોનેટ કરી કોરોનામુક્ત લોકોને પ્લાઝમા ડોનેટ કરવા પ્રેરિત કરતા રાજકોટના સાગર ચૌહાણ
લગ્ન અને ધાર્મિક કાર્યક્રમ પર લાગવો જોઇએ પ્રતિબંધ
એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે. હેલ્થ વર્કસ, ડૉક્ટર્સ, પોલીસ, વૈજ્ઞાનિકો છેલ્લા એક વર્ષથી દિવસ રાતની ચિંતા કર્યા વગર દેશમાં કોરોનાને રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આ કોરોના વોરિયર્સ દિવસો સુધી પોતાના પરિવારથી દૂર રહે છે ફ્ક્ત એટલા માટે કે તેઓ દેશમાં કોરોનાને ફેલાતો અટકાવી શકે. તેની સામે આવી ઘટનાઓ સુપર સ્પ્રેડર સાબિત થઇ શકે છે. આવા મેળાવડાઓથી કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઇ શકે છે. ત્યારે શું નાગરિક તરીકે આપણી ફરજ નથી કે આપણે થોડું ધ્યાન રાખીને આપણી અને આસપાસના વ્યક્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. ગુજરાતની આ સ્થિતિ અંગે હાઇકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. એક સુનવણી દરમ્યાન એડવોકેટ શાલીન મહેતાએ જણાવ્યું હતું કે, અમારી સરકારને અપીલ છે કે, લગ્ન,અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. અત્યારે કોરોનાના કેસ તો ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ જોવા મળે છે. જે બંધ થવું જોઈએ.