- નીતિન પટેલ ભાજપના સૌથી સિનિયર દિગ્ગજ નેતા છે
- નીતિન પટેલ 1990થી કેબિનટ પ્રધાન રહ્યા છે
- ભાજપ મોવડીમંડળ તેમને મુખ્યપ્રધાન કેમ નથી બનાવતું?
અમદાવાદ- ગુજરાતના રાજકારણમાં ઉત્તર ગુજરાતના પટેલોને એક કરીને સતત ચૂંટણી જીતતા આવેલા નીતિન પટેલ 1990થી ગુજરાત સરકારમાં કેબિનટ પ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન સુધી પહોંચ્યા છે. તેમની વહીવટી કુશળતાના ખૂદ ભાજપના અનેક નેતાઓ વખાણે છે. પણ કોણ જાણે ભાજપ મોવડીમંડળ નીતિન પટેલની કામગીરીથી કેમ નાખુશ છે. નીતિન પટેલ આખા બોલા પાટીદાર છે, તેમની સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે, તેઓ વિધાનસભામાં વિપક્ષનો સામનો એવી રીતે કરે છે કે, બધાને હસાવીને ચોટદાર જવાબ પણ આપી દેવો, તે તેમની કુશળતા છે.
નાણા ખાતા માટે નીતિન પટેલ રિસાયા હતા
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી પ્રધાનમંડળની જાહેરાતમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલને બનાવ્યા, પણ નાણા ખાતું વિજયભાઈ પાસે રાખ્યું હતું, ત્યારે નીતિન પટેલ રીસાયા હતા અને ગાંધીનગર ગયા ન હતા, છેલ્લે નાણા ખાતું આપવાની વાત થઈ પછી નીતિન પટેલે ગાંધીનગર સચિવાલયમાં કેબિનમાં પ્રવેશ કર્યો હતો. આ વાત દિલ્હી સુધી પહોંચી છે અને ભાજપ મોવડીમંડળે આ વાતને યાદ રાખી છે. આથી જ નીતિન પટેલને ત્રીજી વખત પણ મુખ્યપ્રધાન બનાવ્યા નથી. બાકી પાટીદાર મુખ્યપ્રધાન બનાવવા હતા તો સારામાં સારો ઓપ્શન નીતિન પટેલ હતા, તેઓ ખૂબ જ સિનિયર છે, તેમની વાત કડવા અને લેઉઆ પટેલ સારી રીતે માને પણ છે અને તેમને વડીલનો દરજ્જો પણ આપ્યો છે. પાટીદાર સમાજમાં તેઓ ખૂબ સન્માનીય નેતા ગણાય છે.
રાજકીય જીવન સ્વચ્છ પ્રતિભાવાળું છે
નિતીન પટેલનું રાજકીય જીવન ભષ્ટ્રાચાર મુક્ત અને સ્વચ્છ પ્રતિભાવાળું રહ્યું છે, તેમના રાજકીય જીવન પર કદીયે ડાઘ લાગ્યો નથી કે તેઓ વિવાદમાં પણ આવ્યા નથી. તેઓ પાર્ટી પ્રત્યે ખૂબ વફાદાર રહ્યા છે. પાર્ટીએ જે કામ કહ્યું તે તેમણે સુપેરે નિભાવ્યું છે. સરકારી અધિકારી પાસે કામ પણ કઢાવવાની તેમની કુનેહ સારી છે.
નીતિન પટેલની જિંદાદિલી
ભલે તેઓ મુખ્યપ્રધાન પદની ત્રણ વખત ગાડી ચુકી ગયા હોય તેમ છતાં તેમણે મહેસાણાના પાટીદાર સમાજના જાહેર કાર્યક્રમમાં 2000 લોકોને ઉભા થઈને નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરાવ્યું હતું અને બધા પાટીદારોને તાલીઓ પાડીને વધાવવા કહ્યું હતું. આ નીતિન પટેલની જિંદાદિલી છે તેમજ તેમણે સંબોધનમાં એમ પણ કહ્યું હતું, ‘હું નહી ભલભલા રહી ગયા છે. હું 30 વર્ષથી પાર્ટીમાં છું, પાર્ટીએ મને બહુ આપ્યું છે. મને જનતાના હ્રદયમાંથી કોઈ કાઢી શકવાનું નથી’, એવું કહીને તેમણે આખા બોલાનો પરિચય પણ આપી દીધો હતો.
ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાશે?
ડેપ્યુટી મુખ્યપ્રધાન રહેલા નીતિન પટેલ દિગ્ગજ નેતા છે, પણ ભાજપ હાઈકમાન્ડ તેમને રાજ્યપાલ બનાવે તેવી સંભાવના વધી છે. સુત્રોના કહેવા પ્રમાણે તેમને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવાશે અથવા તો ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણીમાં કોઈ મહત્વની જવાબદારી સોંપાશે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ ઈટીવી ભારત ગુજરાત