- ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 4 દર્દીઓ પોઝિટિવ
- સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડ્યા
- હજુ 15 લોકોના રિપોર્ટ આવવાના બાકી
અમદાવાદ: બ્રિટનથી અમદાવાદ આવેલા પ્રવાસીઓમાંથી 4 લોકોના રિપોર્ટમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવતા તંત્ર દોડતુ થયુ હતું. દર્દીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચારમાંથી કોઇ દર્દી અમદાવાદનું નથી.
SVP હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ
આ ચાર લોકોમાં એક દંપતિ, એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે નવા સ્ટ્રેનના કેસ સામે આવતા તેમને અલગ રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ કોરોનાના નવા સ્ટ્રેન જે લોકોમાં મળ્યા હોય તેમના સંપર્કમાં આવેલા લોકોનું પણ ટેસ્ટિંગ શરૂ કર્યુ છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઇને લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટના યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ
15 ડિસેમ્બરે લંડનથી આવેલા રાજકોટના યુવાન 31 વર્ષીય હિત ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેનના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઇ તેને પૂણા લેબમાં મોકલવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને નવા સ્ટ્રેનની શંકાના આધારે સેમ્પલ પૂણા મોકલવામાં આવ્યા છે.
કોરોનાના નવા સ્ટ્રેનને લઇ તંત્ર એલર્ટ
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ જોવા મળતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ પર ડૉક્ટર અને આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારના સંપર્કમાં છે.