- વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટનું એકાઉન્ટ કરવામાં આવ્યું ફ્રીઝ
- ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ થતાં જીગ્નેશ મેવાણીએ કર્યા સરકાર પર પ્રહાર
- ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનના પ્લાન્ટ બનાવવા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો હતો
અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે ટ્રસ્ટ થકી ઓક્સિજન પ્લાન્ટ માટે લાખોનો ફાળો ઉઘરાવી રહ્યા હતા તે ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટને ચેરિટી કમિશનર દ્વારા ફ્રીઝ કરવાનો હુકમ કર્યો છે. ચેરિટી કમિશનર કચેરીમાં મેવાણીની દાન માટેની અપીલ બાદ લેખિતમાં અરજી આવી હતી. જેથી ચેરિટી કમિશનર વાય. એમ. શુક્લાએ રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં મેવાણી ટ્રસ્ટી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટ્રસ્ટ પાસે વિવિધ મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેનો જવાબ ન મળતા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. ટ્રસ્ટ પાસે તમામ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ કર્યો છે.
જીગ્નેશ મેવાણીનો વળતો પ્રહાર
કુદરતી હોનારત અને મહામારીમાં અમુક તત્વો ફાળો ઉઘરાવતા હોય તો તેની જાણ તાત્કાલિક પોલીસ અથવા વહીવટીતંત્રને કરવા માટે ચેરિટી કમિશનર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જેને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વળતો પ્રહાર સરકાર પર કર્યો છે અને જણાવ્યું છે કે, ગાંધીનગરમાં બેઠેલા કેટલાક તત્વો દ્વારા આયોજિત કાવતરું કરવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી ફાળો ઉઘરાવીને લાવ્યા અને જીગ્નેશ મેવાણીને કોઈ ફાળો આપે તે ગમતું ન હોવાના કારણે ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વાસદ આરોગ્ય કેન્દ્રમાં ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે
ચેરિટી કમિશનરે પત્રમાં શું કહ્યું?
કુદરતી આપત્તિ અને મહામારીની આફતોમાં ગુજરાતના ટ્રસ્ટો અને સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી ખૂબ જ સારી અને સમાજને ઉપયોગી સાબિત થઈ રહી છે. તાજેતરમાં પણ ગુજરાતમાં અત્યારે અસંખ્ય ટ્રસ્ટો કોવિડના દર્દીઓ અને તેના કુટુંબીજનોને મદદ થવામાં કાર્યરત છે. આ ટ્રસ્ટ ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી બજાવી રહ્યું છે પરંતુ છેલ્લા થોડા સમયમાં અમુક લેભાગુ તત્વો સેવાના ઓથા હેઠળ ટ્રસ્ટ ખોલી પોતાના અંગત હિતો માટે ટ્રસ્ટના નામે સમાજની લાગણીઓ સાથે ચેડાં કરતા હોવાનું માલુમ પડયું છે.
2021માં સરખા નામનું બીજુ ટ્રસ્ટ
2003માં એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સમાજના મોભીદાર વ્યક્તિઓ હતા. તેમણે ટ્રસ્ટ બનાવ્યું હતું જેનું નામ વી ધ પીપલ ચેરિટેબલ સોસાયટી નામ રાખવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી તરીકે કેટલાક ટ્રસ્ટીઓ જોડાયા હતા. આવા મહાનુભાવોને સમાન ઉપયોગી પ્રવૃત્તિઓ માટે એક ટ્રસ્ટની રચના કરી હતી અને ટ્રસ્ટ ચાલે છે. જ્યારે જાન્યુઆરી 2021માં આ જ નામથી બીજું એક ટ્રસ્ટ ખોલવામાં આવ્યું છે. જેના પ્રમુખ કમલેશ કટારીયા છે. એક્ટની જોગવાઈ મુજબ જો કોઈ એમબીગ્યુટી થવાના ચાન્સીસ હોય તો આવા ટ્રસ્ટોની નોંધણી ન થઈ શકે.
ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ આવી
ચેરિટી કમિશનર કચેરીમાં એવી ફરિયાદ આવી હતી કે વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે ટ્રસ્ટના નેજા હેઠળ ફંડફાળો કરી અંદાજે 50 લાખનું ફંડ એકત્ર કર્યા બાદ ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટની બંધ ફેસીલીટી માટે લોકફાળાની ઝુંબેશની પહેલ શરૂ કરાઇ હતી. જેમાં ટ્રસ્ટના એકાઉન્ટનું નામ નંબર વગેરે વિગત લખી દાનની રકમ જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. આ પ્રકારની જાહેર અપીલ માટે પહેલા કરતા કમિશનરની કચેરીમાં પૂછપરછ અને લેખિતમાં અરજી આપવાનું શરૂ થયું છે. જેના આધારે ચેરિટી કમિશનર વાય. એમ. શુક્લાએ જાન્યુઆરી-2021માં સ્થાપવામાં આવેલા ટ્રસ્ટનું આખું રેકર્ડ મંગાવી તપાસ કરતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમાં ટ્રસ્ટી હોય તેવું જણાઈ આવ્યું ન હતું.
આ પણ વાંચોઃ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ
ચેરિટી કમિશ્નરનો હુકમ
ત્યારબાદ ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટને 3 મે,2021ના રોજ પૂછ્યું હતું કે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે ઠરાવ કરાયો છે કે કેમ, કલેક્ટરની પરવાનગી લેવામાં આવી છે કે કેમ, જીગ્નેશ મેવાણીની આવી જાહેર અપીલ કરવા માટે ટ્રસ્ટ ઠરાવ કર્યો છે કે કેમ. આ અંગે ટ્રસ્ટ તરફથી ચેરીટી કમિશનરને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. આમ ટ્રસ્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવતાં તેમજ લોકો તરફથી અરજી આવતા આ બાબતની ગંભીરતાથી ટ્રસ્ટનું એકાઉન્ટ હાલમાં સ્થગિત કરવાનો હુકુમ ચેરિટી કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. તદુપરાંત ટ્રસ્ટનું તમામ સાહિત્ય ઠરાવ બુક, ઓરીસી બુકો વગેરે રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને તેની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા માટે ચેરિટી ઓફિસના ઇન્સ્પેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે.
ચેરિટી કમિશનરે લોકોને શુ અપીલ કરી?
ચેરિટી કમિશનર તરફથી એવો પરિપત્ર પણ તમામ કચેરીઓને કરવામાં આવ્યો છે કે આવી મહામારીનો લાભ લઇ ટ્રસ્ટના ઓઠા હેઠળ અમુક તત્વો સમાજ સાથે અને સમાજની લાગણીઓ સાથે કોઈ ચેડાં ન કરે તે અન્વયે ગુજરાતની તમામ કચેરીઓએ લોકો છેતરાય ન જાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે. ઓક્સિજન બોટલ વગેરેમાં સમાજની લાગણીઓ સાથે ચેડા કરવામાં આવતા હોય અને ફંડફાળો ભેગા કરી લોકોની લાગણીઓ સાથે ચેડાં ન થાય તે માટે આવી માહિતી મળે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા માટે પણ ચેરિટી કમિશનર દ્વારા તમામ કચેરીઓ અને લોકોને સૂચના આપવામાં આવી છે.
જીગ્નેશ મેવાણીના સરકાર પર પ્રહારો
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા ફંડ માટે અપીલ કરી હતી. ધારાસભ્ય મેવાણીએ લોકો પાસે જઈને ફંડ એકત્ર કર્યું હતું. લોકો પાસેથી જે ફંડ મળ્યું તેના આધારે આગામી બેથી ત્રણ દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવનારી કંપનીને આ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. ફંડમાંથી 70 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવવાનો હતો પરંતુ ટ્રસ્ટના નાણા જે એકાઉન્ટમાં પડ્યા હતા તેને ચેરિટી કમિશનર દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગાંધીનગરથી દબાણના કારણે પગલું ભર્યું હોવાની વાત પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી છે. મેવાણીએ કટાક્ષમાં કહ્યું કે CMને અપીલ છે કે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવજો પણ પ્લાન્ટ બનવા તો દો. મને મદદ કરનારા લોકોને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છો.