- અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યા
- લૂંટના ઈરાદે બે સિનિયર સિટીઝનનું મર્ડર
- ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં
અમદાવાદઃ શહેરમાં હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસમાં સવારે લૂંટના ઈરાદે બે સિનિયર સિટીઝન એવા અશોક પટેલ અને જ્યોત્સનાબેન પટેલ નામના દંપતીની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈ પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરુ કરી છે. આ કેસમાં જાણભેદુ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ હત્યા મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલ્યા છે.
પાડોશીએ પોલીસને જાણ કરી
આ ઘટનાને લઈને આસપાસની સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શાંતિવન પેલેસના 2 નંબરના બંગલોમાં હત્યાનો બનાવ બન્યો ત્યારે ત્યા રહેતા પાડોશીએ જોયુ તો દરવાજો તૂટેલી હલતમાં હતો. જેથી પાડોશીને શંકા જતા તેઓ તેમના ઘરે ગયા ત્યારે બંને મૃત હાલતમાં હતા, જેથી પાડોશીએ પોલીસને જાણ કરી હતી.
મૃતક જ્યોત્સનાબેન પૂર્વ ગૃહપ્રધાન પ્રફૂલ્લ પટેલના પારિવારિક બહેન
ઉલ્લેખનીય છે કે, તેમનો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈમાં રહે છે. તેમજ મૃતક દંપતી પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતું. તેમનો ઘરઘાટી હાલ અહીં જ છે. તેમના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે. તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે. મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન પ્રફૂલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
શહેરમાં પોલીસ એક તરફ સિનિયર સિટીઝનને મદદ કરવાની વાતો કરે છે, ત્યારે શહેરના પોશ વિસ્તરમાં આજે શુક્રવારે સવારે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધને ગળું કાપીને રહેંસી નાખવામાં આવ્યા છે. વૃદ્ધ અશોકભાઈનો મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેમનાં પત્ની જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડીમાં પડ્યો હતો. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો છે. અગાઉ ઘરઘાટી પર શંકા હતી, પણ તે અહીં જ છે, જેથી હવે પોલીસને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે. બીજી તરફ, આ સમગ્ર મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્ય એજન્સીઓ પણ સ્પોટ પર હાજર થઈ ગયાં છે તેમજ આગામી તપાસ હાથ ધરવામાં આવી છે.