- ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે તંત્રની લાલ આંખ
- સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે ફરિયાદ
- જિલ્લા કલેક્ટરે દ્વારા લેવામાં આવ્યા પગલાં
અમદાવાદ: લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અમદાવાદ જિલ્લાના 12 શખ્સો સામે ફોજદારી કાર્યવાહી કરી અમદાવાદ જિલ્લા વહિવટી વિભાગે તવાઈ બોલાવી હતી. આ શખ્સો સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી નફો રળતા હતા. આ મામલે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા કોઇપણ તત્વોને છોડવામાં આવશે નહીં. મહત્વનું છે કે, શનિવારે હેબતપુરની 28 કરોડ 47 લાખ બજાર કિંમતની 16,752 ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4046 ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ હતી.

આ પણ વાંચો: પ્રેમિકાને સાથ આપવા જતાં પ્રેમી પોલીસ સંકજામાં ફસાયો
અમદાવાદ કલેક્ટરે લીધા યોગ્ય પગલાં
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 શખ્સો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે 7 વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે 5 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત FIR નોંધવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના જણાવ્યા મુજબ, હેબતપુરની 28 કરોડ 47 લાખ બજાર કિંમતની 16,752 ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4046 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો કુલ 12 વ્યક્તિઓ પર આરોપ છે. સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં જમીન કૌભાંડો કરતા આવા કોઈપણ ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ
શું છે સજાની જોગવાઈ?
ઉલ્લેખનીય છે કે, જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થાય તેને 10થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.