ગુજરાતમાં મેઘમહેરઃ 24 કલાકમાં 32 જિલ્લામાં વરસાદ
- 32 જિલ્લાના 193 તાલુકામાં પડ્યો વરસાદ
- 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો
- રાજ્યમાં સિઝનનો કુલ 34.53 ટકા વરસાદ થયો
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યના 32 જિલ્લાના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ (96 મીમી)માં નોંધાયો છે. જો કે, ડાંગ જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ પડ્યો ન હતો.
બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાભર (58 મી.મી), લાખણી(57 મીમી) અને અમીરગઢમાં (50 મીમી) વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી. વડોદરા જિલ્લાના ડભોઈમાં 78 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ- સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે ગુજરાતમાં સિઝનનો 34.53 ટકા વરસાદ થયો છે. આ સિઝનમાં મહિનાવાર જોઈએ તો જૂન મહિનામાં 122.24 મીમી અને જુલાઈ મહિનામાં 164.72 મીમી વરસાદ થયો છે.
તાલુકાવાર વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 251 તાલુકામાંથી સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે તાલુકાઓ- કલ્યાણપુરમાં(1055 મીમી) અને ખંભાળિયામાં (1359 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં રાજ્યમાં એક પણ તાલુકો વરસાદ વિહોણો નથી.
રાજ્યના 94 તાલુકામાં 126 થી 250 મીલીમીટર, 82 તાલુકાઓમાં 251થી 500 મીલીમીટર અને 32 તાલુકાઓમાં 501થી 1000 મીલીમીટર વરસાદ નોંધાયો છે. જો પ્રદેશવાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 12 મીલીમીટર, સૌરાષ્ટ્રમાં 13 મીલીમીટર, મધ્ય –પૂર્વમાં 12 મીલીમીટર અને દક્ષિણ ગુજરાતમાં 10.78 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, કચ્છ જિલ્લામાં 2 મીમી,પાટણમાં 2 મીમી,બનાસકાંઠામાં 24 મીમી, મહેસાણામાં 3 મીમી, સાબરકાંઠામાં 7 મીમી, અરવલ્લીમાં 16 મીમી અને ગાંધીનગર જિલ્લામાં 14 મીમી વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 મીમી, ખેડામાં 16 મીમી, આણંદમાં 17 મીમી, વડોદરામાં 15 મીમી, છોટાઉદેપુરમાં 8 મીમી, પંચમહાલમાં 7 મીમી, મહિસાગરમાં 4 મીમી, દાહોદમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 11 મીમી, રાજકોટમાં 17 મીમી, મોરબીમાં 4 મીમી, જામનગરમાં 15 મીમી, દેવભૂમિ દ્વારકામાં 5 મીમી, પોરબંદરમાં 23 મીમી, જૂનાગઢમાં 16 મીમી, ગીર સોમનાથમાં 8 મીમી, અમરેલીમાં 16 મીમી, ભાવનગરમાં 8 મીમી અને બોટાદમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં 3 મીમી, નર્મદામાં 2 મીમી, તાપીમાં 10 મીમી, સુરતમાં 5 મીમી, નવસારીમાં 5 મીમી અને વલસાડમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે ડાંગ જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.