- આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
- પંચાયતના ઉમેદવારોની પસંદગી થશે
- 4 દિવસ ચાલશે બેઠક
અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજે 7 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમ્યાન મુખ્યપ્રધાન નિવાસસ્થાને ગાંધીનગર ખાતે યોજાશે.
હજારો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થશે
આ પાર્લામેન્ટરી બોર્ડ મિટિંગમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4,774 અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ખેડૂત આંદોલન રાજકીય લોકો ચલાવી રહ્યા છે : સી.આર.પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દેશમાં ચાલતું ખેડૂત આંદોલન એ ફક્ત એક રાજ્ય સુધી સિમિત છે. વળી ખેડૂત આંદોલન ખેડૂતો નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધી રાજકીય પક્ષો ચલાવી રહ્યા છે. જેના લીધે સમગ્ર દેશના ખેડૂતોને મહત્વના કૃષિ કાયદાનો લાભ મળી રહ્યો નથી. કેન્દ્ર સરકાર દ્વારા 375 જેટલી યોજનાઓ સામાન્ય માણસોને લાભાર્થી ચલાવી રહી છે. ગુજરાતમાં કોઈપણ પ્રકારનું ખેડૂત આંદોલન જોવા મળ્યું નથી.
રાજેન્દ્ર ત્રિવેદીને ભાજપ દ્વારા કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી નથી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં હવે લડવાની શક્તિ નથી. વડોદરાના પ્રભારી તરીકે ભાજપ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની નિમણૂક કરાતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, રાજેન્દ્ર ત્રિવેદીને ભાજપ દ્વારા કોઈ પણ જવાબદારી સોંપવામાં આવી નથી.
મધુ શ્રીવાસ્તવ પર બોલ્યા પાટીલ
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના દીકરા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપમાંથી ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં મધુ શ્રીવાસ્તવે ફક્ત ભાજપ જ એકલી પાર્ટી નથી તેવી કોમેન્ટ કરી હતી. તેની ઉપર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે કે કેમ? તે વિશે બોલતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં નહીં આવે કારણ કે, તેઓ પાર્ટી વિરુદ્ધ કશું જ બોલ્યા નથી.