- સોશિયલ ડિસ્ટન્સને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે
- સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશનથી કોરોનાને હરાવી શકાશે
- ડોક્ટરોની સલાહ વગર સારવાર કરવામાં આવે તો યોગ્ય સારવાર થતી નથી
અમદાવાદઃ અત્યારે રાજ્યમાં કોરોનાના કેસ દરરોજ 10,000ને પાર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોમાં પણ કોરોનાના કારણે ડર અને ચિંતા જોવા મળી રહી છે. અનેક વખત ડોક્ટરો સાચી સલાહ આપતા હોવા છતા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા, જેના કારણે તેઓ કોરોનાનો ભોગ બને છે, પરંતુ આવી સ્થિતિમાં ETV Bharatની ટીમે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર અતુલ પટેલ સાથે વાતચીત કરી હતી. ડોક્ટર અતુલ પટેલે લોકોને કોરોનાની સાચી માહીતી મળી રહે તે માટે જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા
તાવ કે અન્ય લક્ષણ જણાય તો તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો
રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ઈન્ફેક્શિયસ ડિવિઝનના ડિરેક્ટર ડો. અતુલ પટેલે કહ્યું હતું કે, જ્યારે તમને તાવ કે એના અન્ય લક્ષણો જણાય તો તાત્કાલીક કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા RT-PCR કરાવો તો પણ ચાલશે. કારણ કે, જો નિદાન સમયસર અથવા તો બહુ ઝડપથી થશે તો તરત જ આઈસોલેશન અને બીજા સાવચેતીના પગલા લઈ શકાય અને ઝડપથી સારવાર કરી શકાય. આ પ્રકારના પગલાથી લોકો તેમનું સંક્રમણ પરિવાર સુધી અથવા તો અન્ય કોન્ટેક્ટ્સમાં આવતા લોકો સુધી ફેલાતું અટકાવી શકશે.
આડઅસરથી કેવી રીતે બચવું?
કોરોનાની સારવાર અંગે ક્યાંક થોડી ગેરસમજ પણ પ્રવર્તે છે. આ અંગે ડોક્ટર અતુલ પટેલે કહ્યું કે, એક અભ્યાસ અનુસાર કોરોનાના 80 ટકા દર્દીઓમાં સ્પોન્ટેનિયસ રિકવરી થતી હોય છે એટલે કે દર્દીને તાવ આવે, માથું દુખે, હાથ-પગ દુખે અને આ જે લક્ષણો છે. એ શરૂઆતમાં 3થી 5 દિવસ સુધી રહી શકે અને પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિના લીધે રોગના લક્ષણો જતા રહે અને રિકવરી થાય. આવા દર્દી 10થી 14 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને 14 દિવસના આઈસોલેશન પછી પાછો પોતાના કામે પણ લાગી શકે છે. એટલે જે ખૂબ જ સ્વસ્થ છે તેમણે બિનજરૂરી રીતે વધારાની દવાઓ ન લેવી જોઇએ. કારણ કે આ બધી દવાઓની નાની-મોટી આડઅસરો થતી હોય છે. એ આડઅસરોને લીધે અમુક લક્ષણો આવે અને એ લક્ષણોના લીધે આપણને એવું લાગે કે કોરોના આગળ વધવાનું ચાલું થયું છે.
ગભરાહટ રાખવાની જરૂર નથી
બિનજરૂરી ગભરાહટ ન રાખવાની તાકીદ કરતા ડોક્ટર અતુલ પટેલે કહ્યું હતું કે, દર્દીને લાંબા સમય સુધી જો તાવ રહેતો હોય એટલે કે 101/102 ડિગ્રી અને એ તાવ પેરાસિટેમોલ નામની દવાથી કન્ટ્રોલમાં ન આવતો હોય તો ચોક્કસ તરત જ તમારા ડૉક્ટરનો કોન્ટેક કરવો જોઈએ. આ એક અગત્યનું લક્ષણ છે. આ ઉપરાંત દર્દીને બાથરૂમમાં જઈને આવે અને થોડો થાક લાગે અથવા તો શ્વાસ લેવાની, શ્વાસ ચડવાની પ્રક્રિયા ચાલુ થાય તો તરત જ એણે સમય બગાડ્યા વિના એના ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ જ રીતે દર્દીનું જે સેચ્યુરેશન ઓક્સિમિટર પર 94થી ઓછુ બતાવે તો સમય બગાડ્યા વગર તરત જ ડોક્ટરની સલાહ લઇ અને દાખલ થઈ જવું જોઈએ.
રેમડેસીવીર દવાની ક્યારે જરૂર પડે?
ડોક્ટર અતુલ પટેલે કહ્યું કે, જ્યારે દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 94થી ઓછુ થાય, શરીરના બંને ફેફસામાં ન્યૂમોનિયા હોય અને એને ઓક્સિજન થેરાપીની જરૂર પડે. આ એક રેમડેસીવીર દવા આપવા માટેનું ઈન્ડિકેશન છે. આનો અર્થ એ થયો કે દરેક કોરોનાના દર્દી કે જેનું નિદાન થયું છે તેને રેમડેસીવીર નામનું ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી. એનાથી કોઈ મોટો ફાયદો દર્દીના શરીરમાં જોવા નથી મળતો. રેમડેસીવીર એ કોઈ જીવ બચાવે તેવી કે રામબાણ દવા નથી. એટલે તે મેળવવા માટે ભાગદોડ કરવાની જરૂર નથી. આ ઈન્જેક્શન અંગે ગેરસમજ દૂર કરવી જ રહી.
વેક્સિન જ મોટું સૌથી મોટું હથિયાર છે
કોરોનાને ફેલાતો અટકાવવા માટે વર્ષ 2021મા આપણી પાસે વેક્સિન જેવું મોટું હથિયાર છે. દરેક વ્યક્તિએ રસી લેવી જ જોઈએ. તેનાથી સંક્રમણને આપણે આગળ વધતુ જરૂરથી અટકાવી શકાય. બીજો ફાયદો એ છે કે, રસી લીધેલા વ્યક્તિનું કોરોનાને લીધે મૃત્યુ થવાનો દર ખૂબ જ ઓછો હોઈ શકે છે. ત્રીજો ફાયદો એ થશે કે અમુક દર્દીઓને તો કોરોનાનું ઈન્ફેક્શન જ નહીં થવા દે એટલે તમે ઇન્ફેક્શનથી બચી શકશો. વેક્સિનની આડઅસર એ એક સામાન્ય વસ્તુ છે. સામાન્ય રીતે જે વેક્સિન લીધા પછી જે આડઅસર થાય છે. તે વેક્સિનની અંદર જે આપણે કોરોના સામે રક્ષણ માટે એન્ટીબોડી બનવા માટેનું જે તત્વ આપણે ઈન્જેકટ કર્યું છે. એ બોડી આઈડેન્ટિફાય કરીને એને રિએક્ટ કરે છે, જેના કારણે આપણને હાથ-પગ દુખે અને તાવ આવે છે, તો આ સામાન્ય આડઅસર છે. આને આડઅસર ન કહી શકાય પણ અસર કરી શકાય, કારણ કે વેક્સિન લઈશું તો જ કોરોનાના સંક્રમણની ચેઈન તોડી શકીશુ.
SMSએ કોરોનાને તોડવા માટેનો ઈલાજ જ છે
ડો. અતુલ પટેલે કહ્યું કે, SMS એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશનને સૌથી મહત્વનું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગને આપણે દૈનિક જીવન પ્રક્રિયાનો હિસ્સો બનાવવો જરૂરી છે. આપણે કોઈપણ વ્યક્તિ છે સાથે ડીલ કરવાનું છે, કોઈ વાત કરવાની છે તો એની સાથે ઓછામાં ઓછું બે ગજનું એટલે કે 6 ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ. એ જ રીતે મોઢાને અને નાકને સારી રીતે કવર કરે એવો માસ્ક પહેરવો જરૂરી છે.
ઘરમાં કેવું વાતાવરણ રાખવું?
જ્યારે આપણે ઈનડોર એક્ટિવિટી કરીએ છીએ ત્યારે બારી-બારણા ખૂલ્લા રાખવા જરૂરી છે. તેને લીધે કોરોનાનું સંકરણ ફેલાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. આપણા હાથને વારંવાર સાફ કરવા જોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે ઘરે પરત આવીએ છીએ. ઓફિસમાંથી ત્યારે ઘરે જઈને પહેલું કામ આપણા હાથને યોગ્ય રીતે સાફ કરીને જ પછી ઘરની અંદર આપણે બીજી કોઈ પણ એક્ટિવિટી કરવી જોઈએ.