- ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ
- ઓછું ભણેલા ઉમેદવારોને પણ પક્ષોએ આપી છે ટિકિટ
- થલતેજ વિસ્તારના ઉમેદવાર હિતેશ બારોટ પાસે રૂ. 33 કરોડથી પણ વધારેની મિલકતો
અમદાવાદ: ભાજપ તથા કોંગ્રેસના 30 થી વધુ ઉમેદવારો પાસે કરોડો રૂપિયાની મિલકતો છે. અનેક ધનાઢ્ય અને મોટી સંખ્યામાં મિલકત ધરાવતા ઉમેદવારોને ભાજપ અને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. મહત્વનું છે કે, અમદાવાદ થલતેજ વિસ્તારના ઉમેદવાર હિતેશ બારોટ પાસે 33 કરોડથી પણ વધારેની મિલકતો છે.
50 થી વધુ ઉમેદવારોનો ગુનાહિત રેકોર્ડ પોલીસ સ્ટેશનમાં છે
શહેરના મકરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સમીર પઠાણ પાસે 16 કરોડથી વધુના શેર તો 14 કરોડની જમીન પણ છે. સ્ટેડિયમ અને પાલડી બોર્ડના ભાજપના ઉમેદવારો પાસે 1 કિલો કરતાં પણ વધારે સોનું છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર સામે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. મહત્વનું છે કે, માત્ર જમીનોમાં જ નહીં સાથે-સાથે શેર બજાર, સોનું-ચાંદી સહિત અનેક જગ્યા ઉપર બંને પક્ષના ઉમેદવારોના રોકાણો જોવા મળી રહ્યા છે. ભાજપના સ્ટેડિયમ વોર્ડના ઉમેદવાર પ્રદિપ દવે પાસે એક કિલોથી વધારે સોના-ચાંદીના દાગીના છે. ભાજપના પાલડી વિસ્તારમાં ઉમેદવાર પ્રીતિશ મહેતા પાસે પણ એક કિલોથી વધારે સોનુ મળી આવ્યું છે.
અનેક ઉમેદવારો પાસે વૈભવી કારનો કાફલો
શહેરના ભાજપ અને કોંગ્રેસના 10 ટકાથી વધારે ઉમેદવારો પાસે મર્સિડીઝ, બીએમડબલ્યુ જેવી વૈભવી કારનો કાફલો હોવાનો તેમના એફિડેવિટમાં સામે આવ્યું છે. ભાજપ-કોંગ્રેસના 10 ટકાથી વધારે ઉમેદવારો ધોરણ 10 થી પણ ઓછું ભણેલા છે. સૌથી ઓછુ ભણેલા અમરેવાડી વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન પરમાર છે. તેઓ ધોરણ 3 પાસ છે. ધોરણ 7 પાસ હોય તેવા 4 થી વધારે ઉમેદવારો છે.
4 ઉમેદવારો પાસે લાયસન્સવાળા હથિયાર
મહત્વનું છે કે અમદાવાદ શહેરના ચાર ઉમેદવારો પાસે લાયસન્સવાળી રિવોલ્વર હોવાનું તેમના એફિડેવિટમાં જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના થલતેજ વિસ્તારના હિતેશ બારોટ, બાપુનગરના પ્રકાશ ગુર્જર, સૈજપુરના મહાદેવ દેસાઈ અને શાહીબાગના ઉમેદવાર ભરત પટેલ પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે, ચૂંટણી દરમિયાન તમામ હથિયારો પોલીસમાં જમા કરાવવાના હોય છે.
અનેક વિસ્તારમાં ઉમેદવારો આર્થિક રીતે સદ્ધર
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ઉમેદવારો નાણાકીય રીતે સદ્ધર હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધારે નાણાં ધરાવતા ભાજપ કોંગ્રેસના 10 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારો પશ્ચિમ વિસ્તારના જ્યારે 3 ઉમેદવારો પૂર્વ વિસ્તારના છે. મહત્વનું છે કે, તમામ પક્ષો દ્વારા ઉમેદવારો સામે ધાક-ધમકી, છેતરપિંડી સહિતના ગુનાઓ ન હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવાનું નક્કી કરતા હોય છે. બંને પક્ષમાંથી અનેક ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમ છતાં તેમને ટિકિટ ફાળવવામાં આવી છે. જો કે, હવે જોવાનું એ રહે છે કે ચૂંટણીનું પરિણામ શું આવે છે.