અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે અલગ-અલગ ક્ષેત્રમાંથી સારી એવી આવક થતી હોય છે, પરંતુ કોરોના વાઇરસનું ગ્રહણ કોર્પોરેશનની તિજોરી ઉપર પણ લાગ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, દર વર્ષે અનેક લોકો કાંકરિયાની મુલાકાત લેતા હોય છે, ત્યારે ગત 6 માસથી કાંકરિયા બંધ રાખવમાં આવ્યું છે. આ લેક બંધ હોવાના કારણે કોર્પોરેશનને અંદાજે 2.5 કરોડથી વધુનું નુકસાન થયું છે.
કાંકરિયા અમદાવાદનું ખૂબ સારૂં પ્રવાસનું સ્થળ છે. જેની અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. કાંકરિયામાં સામાન્ય રીતે પ્રવેશ ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત અંદર અલગ અલગ પાર્ક અને ઝૂની ફી પણ અલગ અલગ છે. જેના કારણે કોર્પોરેશનને દર વર્ષે સારી આવક ઊભી થતી હોય છે.
ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષના એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં કાંકરિયાની 10 લાખ કરતાં પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી 2.5 કરોડ કરતા પણ વધુ થઈ હતી. આ ઉપરાંત આ સમયમાં કાંકરિયા ઝૂમા પણ 4 લાખથી વધુ લોકોએ આ 6 માસ દરમિયાન મુલાકાત લીધી હતી. જેના કારણે 45 લાખ કરતા વધુની આવક ઉભી થઇ હતી.
ગત વર્ષે જે પ્રમાણે આવક થઈ હતી, તે આ વર્ષે કોરોના વાઇરસના કારણે કાંકરિયા સંપૂર્ણપણે બંધ હોવાને કારણે થઈ નથી. કોરોના વાઇરસની શરૂઆત થઈ એટલે કે, ગત 6 માસથી કાંકરિયા પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.
આમ કોર્પોરેશનને અલગ અલગ ક્ષેત્રમાંથી થતી આવકને કોરનાનું ગ્રહણ લાગ્યું છે. હવે જ્યારે કાંકરિયા લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે, ત્યારે અગાઉ પણ મુલાકાતીઓની સંખ્યા ઓછી હશે. જેના કારણે આવકમાં ઘટાડો નોંધાશે.