- પોલીસ કર્મીઓ માટે ઓક્સિજનની સુવિધા સહિતનો આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યો
- કાલુપુર શહેરકોટડા અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સંક્રમિત કર્મચારીઓ માટે આ વ્યવસ્થા કરાઈ
- ડૉક્ટરની ટીમ દિવસમાં ત્રણ વખત વિઝીટ કરશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. મોટાભાગની હોસ્પિટલ ફૂલ છે. જેથી પોલીસ કર્મીઓને યોગ્ય રીતે સારવાર મળી રહે અને ઝડપી સારવાર મળી રહે તે માટે પોલીસ ખુદ જ પોતાની રીતે વ્યવસ્થાં કરી રહી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને ઝોન-3ના DCP દ્વારા મંદિરમાં આઈસોલેશન રૂમની વ્યવસ્થાં કરવામાં આવી છે. આ આઇસોલેશન રૂમમાં સારવાર માટે જરૂરી તમામ વ્યવસ્થાં જેવી કે, ઓક્સિમીટર, ટેમ્પરેચર ગન, નાસ ઉકાળા હોમીયોપોથી અને એલોપેથી દવાઓ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમની માટે એક વાહન ફાળવવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈપણ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે તો તુરંત દાખલ કરાવી શકાય. હાલ ઝોન-3 વિસ્તારમાં 12 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 950 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલ શરૂ થયા પૂર્વે દર્દીઓ રિક્ષા અને એમ્બ્યુલન્સમાં દોડી આવ્યા
શહેરના જુદા-જુદા સ્વામિનારાયણ મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થાં કરાશે
હાલમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ઝોનના અધિકારીઓ જ પોતાના ઝોનના પોલીસ કર્મીઓની વ્યવસ્થા કરી રહ્યા છે કારણ કે, હાલ પોલીસ કર્મીઓને પણ હોસ્પિટલમાં દાખલ થવામાં મુશ્કેલીઓ પડી રહી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરમાં કોરોના વેક્સિનેશન માટે પણ જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મહામારીને પહોંચી વળવા શહેરના જુદા-જુદા સ્વામિનારાયણ મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થાં કરવામાં આવશે.