- ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં
- કોરોનાને કારણે ભજન-કિર્તનની રમઝટ બંધ
- ભગવાનને વિવિધ પ્રકારના ભોગ ધરાવાશે
અમદાવાદ: ભગવાન જગન્નાથની 144મી રથ યાત્રા યોજવાને લઈને હજી સુધી સરકાર તરફથી કોઈ જવાબ નથી આવ્યો. રાજ્ય સરકારે 24 જૂન સુધી નિર્ણય લેવાનું કહ્યું હતું. પરંતુ સરકારે પણ હવે પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાશે તેમ કહીને વાત જગન્નાથ ઉપર છોડી દીધી છે. જગન્નાથ મંદિર દ્વારા પરંપરા પ્રમાણે રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. તે જ અનુક્રમે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનના જયેષ્ઠ અભિષેક બાદ તેઓ તેમના મોસાળ સરસપુર આવ્યા છે.
ભજન મંડળીઓને આમંત્રણ નહીં
ભગવાનના આગમનને લઇને સરસપુર વાસીઓ ખૂબ જ ખુશ છે. ગયા વર્ષે ભગવાન રથમાં બેસીને સરસપુર આવી શક્યા નહોતા. આ વખતે પણ તેઓ દિવ્ય દર્શન આપશે કે કેમ તેને લઈને તેઓ દુઃખી છે. મોસાળમાં રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે, દર વખતે ભગવાનના આગમન વાજતે-ગાજતે કરાય છે. દરરોજ ભજન મંડળીઓની રમઝટ બોલતી હોય છે. પરંતુ કોરોના કાળને લઈને આ વખતે પણ ગયા વર્ષે પણ ભજન મંડળીઓને આમંત્રણ અપાયું નથી ભક્તો પણ પહેલા કરતા ઓછા આવી રહ્યા છે.
આ પણ વાંચો : ડાકોર ખાતે રથયાત્રા યોજવા મંજૂરી માગવામાં આવી
રથયાત્રાનો આખરી નિર્ણય સરકારનો રહેશે : સરસપુર મંદિર
ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, જે પ્રમાણેની ધાર્મિક વિધિઓ અને પરંપરા છે, તે પ્રમાણે મંદિર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. ભગવાનને નિત્ય નવા ભોગ ધરાવવામાં આવશે, મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવશે. પરંતુ રથયાત્રા નિકળશે કે કેમ તે અંગે સરકારને કેવી રીતે રજૂઆત કરવી તે ટ્રસ્ટીઓ નક્કી કરશે. કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય પરિસ્થિતિને જોતા સરકારનો જ રહેશે. જો કે સરસપુર વાસીઓ અને તમામ ભક્તોની આશા છે કે આ વર્ષે રથયાત્રા નીકળે.
આ પણ વાંચો : Jal Yatra 2021 : નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતમાં ભગવાન જગન્નાથની જળયાત્રા સંપન્ન
રણછોડરાય મંદિર ખાતે ટેલિમેડીસીન કેમ્પ
રથયાત્રાની સાથે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને સરસપુરમાં ભગવાનના મોસાળ એવા રણછોડરાયના મંદિરમાં પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેરીને જ મંદિરમાં પ્રવેશ આપવો, સામાજિક અંતર જળવાય તે માટે દેખરેખ રાખનાર વ્યક્તિઓ મૂકવામાં આવ્યા છે. સેનિટાઈઝર મુકાયું છે. જગન્નાથ મંદિરની જેમ અહીં પણ ટેલિમેડીસીની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં વ્યક્તિનું ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેસર, સુગર વગેરે માપી શકાય છે અને તેમને દવાઓ પણ આપી શકાય છે.