- 18થી 20 નવેમ્બર સુધી ચાલશે આત્મનિર્ભર ગ્રામ યાત્રા
- આઝાદીના અમૃત મહોત્સવને જોડ્યો
- ગામડાઓ સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભર બને
અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Atmanirbhar Gram Yatra )નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે સીએમ ભૂપેન્દ્ર પટેલે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવા સૌને હાકલ કરી હતી. દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ"ને જોડીને ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાયો છે.
ગામડાઓ સર્વાંગી વિકાસમાં જોડાય
ગ્રામ યાત્રાનો હેતુ એ છે કે ગામડાઓ સર્વાંગી વિકાસમાં જોડાય અને ગુજરાતને આત્મનિર્ભર બનાવે, તે સંકલ્પ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ યાત્રામાં સહભાગી થઈ રહ્યા છે. તેમજ ગુજરાત સરકારના પ્રધાનો પણ દરેક જિલ્લામાં જઈને આવી ગ્રામ યાત્રામાં જોડાય રહ્યા છે અને ગુજરાત સરકારની, ખાસ કરીને ભાજપની યોજનાઓને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રજા કલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી અને ગામડોઓ સુધી પહોંચાડીને વિકાસનો વધુ વ્યાપ વધારી રહી છે. તેની સાથે સાથે જિલ્લા અને તાલુકા લેવલે નવા વિકાસના કામો અને લોકાર્પણ કાર્યક્રમ પણ આટોપાઈ રહ્યો છે.
જનતા અને સરકાર વચ્ચે સેતુ ભૂમિકા ભજવશે યાત્રા
ગ્રામ યાત્રાએ જનતા અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે. જનસમસ્યાઓને સાંભળીને તેના ઉકેલની દિશામાં સરકાર કામગીરી કરશે, તેવો અભિગમ છે. પણ વાત સ્પષ્ટ છે કે આવી યાત્રા કરવાનો સીધો અર્થ થાય છે કે, ચૂંટણીમાં તેનો સીધો ફાયદો લેવાનો. સામાન્ય રીતે ગામડામાં ભાજપની નબળી સ્થિતિ છે, તે વધુ મજબૂત કરવા માટે ભાજપ દ્વારા ગ્રામ વિકાસ યાત્રા (Bjp Atmanirbhar Gram Yatra ) શરૂ કરી છે, જેથી ગ્રામજનો સાથે સીધો સંવાદ થઈ શકે. દરેક જિલ્લામાં ત્રણ દિવસ સુધી આવી રથયાત્રા ફરશે.
ભાજપ યાત્રા આધારિત પક્ષ છે
રાજકીય વિશેષજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ વર્ષોથી યાત્રા આધારિત પક્ષ રહ્યો છે. યાત્રાના માધ્યમથી લોકસંપર્ક કરવો, પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરવી તે હેતું હોય છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા પછી કેન્દ્રમાં ગુજરાતના ચાર પ્રધાનો આવ્યા પછી રાજ્યસરકારના નવા પ્રધાનો અને સાસંદોએ જનઆશિર્વાદ યાત્રા કાઢી લોકસંપર્ક કર્યો હતો. ત્યાર પછી દિવાળી પછીના નવા વર્ષથી સ્નેહમિલન સમારોહ કર્યો અને હવે 18 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રા શરૂ કરી છે. ભાજપ હમેંશા તેના કાર્યક્રમો થકી ચર્ચામાં રહે છે અને લોકોની વચ્ચે રહે છે. તેમજ ચૂંટણી મોડમાં રહે છે. જો કે છેલ્લે જન આશિર્વાદ યાત્રા શો બાજીવાળી યાત્રા બની હતી, તેવું ગ્રામ યાત્રામાં ન બને તો જ લોકસંપર્કનો હેતુ સિદ્ધ થશે.
આ પણ વાંચો: Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ
આ પણ વાંચો: 18 નવેમ્બરથી ખેડાનાં મહેમદાવાદથી ''આત્મનિર્ભર ગ્રામ યાત્રા''નો પ્રારંભ કરાશે