અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીમાં તમામ પ્રસંગોમાં પરવાનગી આપવામાં આવી રહી નથી, ત્યારે અમદાવાદમાં કેન્સરથી મૃત્યુ પામેલી મહિલાનું અનોખું બેસણું યોજવામાં આવ્યું હતું, ડ્રાઇવ થ્રુ યોજાયેલા આ બેસણામાં સ્વજનોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ગાડીમાં બેસીને જ પુષ્પાંજલિ અર્પણ કરીને બેસણામાં હાજરી આપી હતી.
શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં રહેતા ઠક્કર પરિવારના મહિલા પન્ના ઠક્કરનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. ત્યારે કોરોના મહામારીમાં તેમનું બેસણું કઈ રીતે યોજવું તે પરિવાર માટે મોટી મૂંઝવણ હતી, પરંતુ ઠક્કર પરિવારે પન્ના ઠક્કર માટે એવું બેસણુ રાખ્યું કે, જેથી આવનારા લોકો માટે સલામતી રહે અને કોરોના સંક્રમણ પણ ના ફેલાય. જે માટે પરિવાર દ્વારા ખાસ બેસણનું આયોજન કરાયું.
જેમાં આવનારા સ્નેહીજનોને પોતાની ગાડીમાંથી ઉતરવાની જરૂર જ ના પડી. તેઓ પોતાની કારમાં જ બેસીને બેસણામાં હાજરી આપી શક્યા અને શ્રદ્ધાંજલિ પણ પાઠવી શક્યા હતા. બેસણામાં આવનારા વ્યક્તિ તેની કાર પન્ના ઠક્કરની તસવીર સુધી લઈ આવી શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી. ગેટ પર ફૂલ આપવાની પણ વ્યવસ્થા કરાઈ હતી. જેથી કારમાં બેસીને જ તેઓ ફૂલ લઇ અને પાન્ના ઠક્કરના ફોટાને ફૂલ ચઢાવી શકે.
અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારનું બેસણું યોજાયું હતું. કોરોના વાઇરસની સ્થિતિમાં લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે, ત્યારે તેનો ઉપાય પણ હવે લોકો શોધી રહ્યા છે.