અમદાવાદ : રાજ્યમાં પણ હવે ધિમે ધિમે તમામ શહેરોમાં નૂપુર શર્માને લઇને વિવાદ વકર્તો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદનને કારણે વિવાદ જોવા મળ્યો હતો. નૂપુર શર્માના વિરોધમાં ટોળું થયું એકત્રિત થયું હતું. ટોળું કોઇ મોટુ સ્વરુપ ધારણ ન કરે તેના માટે થઇને પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું હતું. શાંતિ ભંગ ન થાય તેમજ સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું, પોલીસનો રોલ મહત્ત્વનો બન્યો
વિવાદીત ટિપ્પણી કરતા ફસાઇ નુપુર - ધાર્મિક વિવાદીત ટિપ્પણી કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પક્ષમાંથી કાઢી મુકાયા છે, જે બાદ ઠેર ઠેર તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સુરતમાં નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર બ્રિજ પર જોવા મળ્યા હતા. જે બાદ આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા તથા નવીન જિંદાલના ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લગાડતા ઉત્તેજના વ્યાપી છે.
સુરતમાં પણ કરાયો હતો વિરોધ - સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના ફોટા પર જૂતાનું નિશાન લગાવીને તેઓની ધરપકડ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે બાદ હવે વડોદરામાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા પર જુતાનું નિશાન મારીને તેઓની ધરપકડ કરવાનું લખાણ કરીને પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોમાં પણ આ કૃત્યને લઇને રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - જૂઓ, કઈ જગ્યાએ નુપૂર શર્માના વિરોધમાં નહીં પણ તેમનાં પક્ષમાં રેલી યોજાઈ
અમદાવાદમા પહેલા પણ થઇ ચૂક્યો છે વિરોધ - અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ ખાતે નુપૂર શર્માના સમર્થકોએ તેમનાં સમર્થનમાં એક રેલી યોજી હતી. જોકે, પોલીસે તેમને સમજાવ્યા પછી સમર્થકોએ રેલી ન કાઢતા પોલીસે કોઈની પણ અટકાયત કરી નહતી. પોલીસે રેલી પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
વડોદરામાં પણ કાઢવામાં આવી હતી રેલી - વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતાં. નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. જો કે પરિસ્થિતિ વણસે તે પહેલા આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. નૂપુર શર્માના સમર્થનમાં આવેલા હિન્દુ સંગઠનોને વડોદરા પોલીસે સમજાવી રોડ પરથી હટાવ્યાં હતાં.