- વિદેશી તબીબોએ 80 ઓક્સિજન કોન્સન્ટ્રેટર વિદેશથી દાન કર્યા
- સિવિલ હોસ્પિટલને મળ્યું ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન
- હાઇ-ટેક કન્સનટ્રેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની ઓક્સિજન જરૂરિયાત સંતોષશે
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશની સાથે વિદેશથી પણ દાનની સરવાણી વહેતી રહી છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ઓક્સિજનને લગતી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે અમેરિકા અને યુ.કે.થી ગુજરાતની જનતાને વ્હારે આવી માદરે વતન માટે પોતાની મદદનો હાથ લંબાવ્યો છે.
દર્દીઓને મદદરૂપ થવા ફંડ એકઠું કર્યું
મૂળ વઢવાણમાં વસતાં ખ્યાતનામ તબીબ અસીમ શુક્લા અને પામેલા આર્ટીગસ (ફ્લોરિડા સ્થિત) ભેગા થઈને વિદેશી એન.જી.ઓ.ના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં કોન્સન્ટ્રેટર આપીને ઓક્સિજન જરૂરિયાત ધરાવતા દર્દીઓને મદદરૂપ બનવા ફંડ એકઠું કર્યું. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશથી કુરિયર મારફતે 80 કોન્સન્ટ્રેટર અમેરિકાથી મોકલી આપ્યા છે.
સિવિલ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિથી વાકેફ છીએ
અસીમ શુક્લાએ કહ્યું કે, કોરોના મહામારીમાં વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમો થકી સિવિલ હોસ્પિટલની કામગીરીથી માહિતગાર થયા છીએ. સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી પણ સિવિલ હોસ્પિટલની કોરોનાકાળમાં થતી કામગીરીની સમયાંતરે જાણ થતી રહી છે. સિવિલ હોસ્પિટલે રાજ્યભરમાંથી મહત્તમ કોરોના દર્દીઓને સાજા કરીને ઘરે મોકલ્યા છે, જેના દ્વારા જ સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાવવાનો અમેં દૃઢ નિર્ધાર કર્યો છે.
આ પણ વાંચો- અમેરિકા-યુકેની સંસ્થાઓએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાખોના મશીનો દાન કર્યા
સિવિલ હોસ્પિટલમાં જટીલ સર્જરી થાય છે
દર વર્ષે વર્કશોપમાં આવીને અમે નોધ્યું છે કે, વિશ્વના વિવિધ દેશોમાં બાળરોગની થતી સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે. જે સિવિલ હોસ્પિટલમાં તદ્દન નિ:શૂલ્ક કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જૂજ જોવા મળતી અત્યંત જટીલ પ્રકારની સર્જરીઓ પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં આવતા બાળકો અને તેમના માતા-પિતાને હસતામુખે ઘરે પરત ફરતા અમે જોયા છે.
સિવિલ હોસ્પિટલના વ્હારે આવવાનો અવસર છે
સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ દ્વારા મારા સહિત અન્ય તબીબોને પણ ઘણું શીખવા મળ્યું છે. અમે સિવિલ હોસ્પિટલમાં આવીને દર વર્ષે જ્ઞાનનો ભંડાર મેળવ્યો છે માટે આ કોરોના મહામારીમાં સિવિલના વ્હારે આવવાનો અને સિવિલ હોસ્પિટલને કંઇક આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવાનો આ અનેરો અવસર હતો. જેમાં અમે સહભાગી બન્યા છીએ, તેમ અસીમ શુક્લાએ ઉમેર્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં વર્કશોપમાં જોડાતા હોવાથી બધી ખબર છે
વર્ષોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્કશોપમાં જોડાવવાના કારણે ફક્ત પ્રોફેશનથી જ નહીં તેઓ લાંગણીઓથી પણ બંધાઇ ગયા. જ્યારે તેઓએ જોયું કે રાષ્ટ્ર પર આવી પડેલી મહામારીમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સ્વખર્ચે 80 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે દાન કર્યા છે.
48 લાખ રૂપિયાની કિંમતના કોન્સન્ટ્રેટર
દાન કરેલા 80 કોન્સન્ટ્રેટર પૈકી 32 કોન્સન્ટ્રેટર 10 લીટરની ક્ષમતા ધરાવતાં અંદાજિત 2,200 અમેરિકન ડોલર અને બાકીના 48 કોન્સન્ટ્રેટર 5 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજિત 48 લાખની કિંમતના સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે.
સ્પાઈન સર્જને 10 ઓક્સિજન કન્સનટ્રેટર દાન કર્યા
અન્ય એક સેવા ભાવી ભારતીય સ્પાઇન સર્જન ડૉ. વિનય જસાણી જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. જેઓએ સિવિલ હોસ્પિટલના પોલિયોગ્રસ્ત બાળકોની સ્પાઇન સર્જરીથી લઇ અન્ય સ્પાઇન સર્જરીમાં સિવિલ હોસ્પિટલ તબીબો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓએ પણ સિવિલ હોસ્પિટલ પ્રત્યેનો ઋણ અદા કરતા યુ.કે.થી 10 લાખના સ્વખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન કર્યું છે. મૂળ ગુજરાતી અને યુ.કે.માં વસતા સ્પાઇન સર્જન ડૉ. વિનયભાઇએ ગુજરાતની જનતા પ્રત્યેનો પ્રેમ દાખવીને યુ.કે.માં રહીને પણ ગુજરાતી ભાઇબહેનોના સ્વાસ્થ્યની ચિંતા દાખવી અને મદદ કરી છે. તેઓએ યુ.કે.થી ફ્લાઇટ મારફતે પ્રાયોરીટી બેઇઝ્ડ 10 કોન્સન્ટ્રેટરનું પોસ્ટ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે.