હાઈકોર્ટમાં બુધવારે જસ્ટિસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદ્દે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30 જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદ્દે 25 FIR કરી હોવાની રજૂઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે. પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.
અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે. પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી નામના સ્થાનિક દલિત આગેવાને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે, રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી.
પોલીસે IPCની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.