અમદાવાદઃ રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારને લગતી તમામ ખામીઓની તપાસ કરવા 5 વરિષ્ઠ અધિકારીઓની તપાસ કમિટીની સરકારી અને સિવિલ હોસ્પિટલની મુલાકાત કર્યા બાદ રાજ્ય સરકાર હાઈકોર્ટને રિપોર્ટ રજૂ કરે તેવો આદેશ કર્યો છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ કરતા કહ્યું કે, કોરોના સારવારની ખામીઓ સુધારણા માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે. હાઈકોર્ટની ડિવિઝન બેંચે મહત્વનો રાજ્ય સરકારને નિર્દેશ કરતા કહ્યું કે, કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં પણ ખરેખર દર્દીઓને જીવન બચાવનારી દવા જેમ કે, ટોલીસીઝુમાબ સહિતની દવા પુરી પાડવામાં આવે છે કે કેમ આ મુદ્દે પણ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે.
કોરોનાની સારવાર અંગે સરકારી હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓ મળી રહે માટે અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી. સુરત અને અમદાવાદ શહેરમાં હજી પણ કોરોનાના વધુ કેસ નોંધાઇ રહ્યા છે. દરરોજ રાજ્યમાં 1100થી 1200 જેટલા કોવિડ-19ના નવા કેસ નોંધાઈ રહ્યાં છે. 23મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 17 લાખ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 86,779 કોવિડ પોઝિટિવ આવ્યા છે. 69,229 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
રાજ્યમાં હાલ 14,000થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે અને 2897 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે. કોવિડ-19 સરકારી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા ન હોવાની રજૂઆતને પગલે હાઈકોર્ટ દ્વારા તપાસ કમિટી અને આ કમિટીના સભ્યોને હોસ્પિટલની મુલાકાત લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.