- રોડના ખાડા અભિયાનમાં 92-93 ટકા સફળતા મળી છે
- યાત્રાધામમાં પવિત્ર અને ભક્તિમય વાતાવરણ ઉભું કરવું છે
- 251 તાલુકામાં હેલીપેડ બનાવવા છે
- યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ હેલીપોર્ટ તૈયાર કરાશે
- જૂના પેચીદા વિવાદવાળા રસ્તાઓ બનાવવા છે
ગાંધીનગર- પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી વિધાનસભાની સુરત પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતાં, તેમણે B.Com, LLB નો અભ્યાસ કર્યો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 2013થી 2017 ગુજરાત વિધાનસભા દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. પૂર્ણેશ મોદી બોલ્ડ નિર્ણયો લેવામાં માહીર છે. તેમણે "મોદી ચોર છે", તે નિવેદન બદલ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં કેસ કર્યો છે. એ જ પૂર્ણેશ મોદી સાથે ETV Bharat Gujaratના બ્યૂરો ચીફ ભરત પંચાલે તેમની ખાસ મુલાકાત (Exclusive meeting with Cabinet Minister Purnesh Modi) લીધી છે.
જવાબ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં નવી રચાયેલી સરકારમાં અમને બધાને તક મળી તે બદલ અમારું કેન્દ્રનું નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક નેતાઓનો હું આભાર માનું છું. અમે ભૂપેન્દ્રભાઈની સરકારમાં આવ્યા પછી આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. કારણ કે મારી પાસે માર્ગ મકાન, ટ્રાન્સપોર્ટ, નાગરિક ઉડ્ડયન, ટુરિઝમ અને યાત્રાધામ વિકાસ સહિત કુલ પાંચ વિભાગ છે, અને આ પાંચેય વિભાગ સીધા નાગરિકો સાથે સંકળાયેલ વિભાગ છે. આ વિભાગના કોઈપણ કામ કરીએ તો તરત જ પબ્લિકને ખબર પડે. હું ખુશીની લાગણી અનુભવું છું કે મને સીધી પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો છે.
પ્રશ્ન-2: તમે પ્રધાનપદનો હવાલો સંભાળ્યો પછી છેલ્લા એક મહિનામાં તમે એવા કયા નિર્ણયો કર્યા કે સીધી રીતે તમે પ્રજાની સેવા કરી હોય?
જવાબ : દરેક વિભાગના અલગઅલગ કામો છે. શરૂઆતમાં ભારે વરસાદને કારણે ગુજરાતમાં અને ખાસ કરીને જામનગર, વલસાડ, સૌરાષ્ટ્રમાં રોડ તૂટી ગયા. વરસાદની પેટર્ન બદલાઈ છે, અસામાન્ય વરસાદ પડે તો પાણીના ફોર્સને કારણે રસ્તા તૂટે તે સ્વભાવિક છે. ગુજરાતમાં રોડ તૂટ્યા તે ધ્યાનમાં આવતા અમે પહેલું જ અભિયાન રોડ રીપેર કરવાનું શરૂ કર્યું. આ ખાડા અભિયાન માટે અમે વ્હોટસએપ પર એક નંબર ક્લિક કર્યો અને લોકો પાસેથી ખાડાના ફોટા અને વિગતો મંગાવી, જેને જે ફરિયાદ હોય તે આ નંબર પર મોકલો. પરિણામે હજારો ફરિયાદો આવી. ફરિયાદો માર્ગ મકાન સિવાય અન્ય વિભાગોની પણ આવી. ખાડા અભિયાન શરૂ કર્યું, દિવાળી પહેલા તમામ રોડ રીપેર થઈ જાય તેવો લક્ષ્યાંક આપ્યો, અને અમને ટૂંક જ સમયમાં 90 ટકા સફળતા મળી. આજે 92-93 ટકા સફળતા મળી છે. અને દિવાળી સુધીમાં ખાડા અભિયાન 100 ટકા પૂર્ણ કરીશું. અમને ઘણાબધા લોકોએ શુભેચ્છા પણ આપી. આ વ્હોટસએપના અભિયાનથી અમે ખાડાની સાચી માહિતી મેળવી શક્યાં. ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે પ્રજાની સેવા કરવા માટે અભિયાન ચલાવ્યું, અને સફળ પણ થયા તો તેનાથી પ્રજાને સંતોષ થયો છે.
1005 કરોડના ખર્ચે તૈયાર થયેલ વાસદથી તારાપુરનો સીક્સ માર્ગીય રોડનું કામ પૂર્ણ
બીજું મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન કરોડો લોકોને અવર-જવર કરવા માટે અથવા વતનમાં સૌરાષ્ટ્ર જવું પડે, અને સૌરાષ્ટ્રના લોકોને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જવું આવવું પડે. આ અવર-જવરનો સેતુ કેટલાક વર્ષોથી અટવાયો હતો, તેનો પહેલો ફેઝ 1005 કરોડના ખર્ચે તૈયાર થયેલ વાસદથી તારાપુરનો સીક્સ માર્ગીય રોડનું કામ પૂર્ણ કર્યું અને લોકાર્પણ કર્યો છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોડ બનાવ્યો છે. જૂના પેચીદા વિવાદાસ્પદ રસ્તાઓ છે, જેના પ્રશ્નો અને મુશ્કેલીઓ હાથ પર લીધી છે. જેમ કે ભૂજ ભચાઉ, કીમથી માંગરોળનો રસ્તો, ભરૂચ દહેજનો રસ્તો- આ બધા જટિલ પ્રશ્નો હતાં. તેની વખતોવખત બેઠકો કરીને વચલો રસ્તો કાઢ્યો છે. અને 31 ડીસેમ્બર પહેલાં આ બધાં કામો પૂર્ણ થાય તેવું લક્ષ્ય રાખ્યું છે. જે કામો છેલ્લા ચાર પાંચ વર્ષોથી અનેક કારણોસર પેન્ડિંગ હતાં. એટલે અમે માર્ગ મકાન વિભાગમાં ખૂબ સરસ રીતે કામ કરી રહ્યાં છીએ.
ડિજિટલ ઈન્ડિયાનું નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરાશે
ત્રીજુ ટ્રાન્સપોર્ટેશનઃ વાહનવ્યવહારમાં વાહનોની ફિટનેસ બાબતે કહું તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, સરકાર બે ત્રણ જગ્યા પર કામ કરી રહી છે. પણ અમે પીપીપીના ધોરણે દરેક જિલ્લામાં આવા ફિટનેસ સેન્ટર ઉભા થાય, તેનો અમે નિર્ણય કર્યો છે. આધુનિક ટેકનોલોજીનો આર.ટી.ઓમાં મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં અમે કામ શરૂ કર્યું છે. આરટીઓમાં દરેક વ્યક્તિએ લાયસન્સમાં માત્ર ફીઝિકલ ટેસ્ટ માટે જ જવું પડે, તે સિવાય તેણે કયાંય જવું ન પડે. ડિજિટલ ઈન્ડિયાનું જે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે, તેને અમે સાકાર કરીશું. આરટીઓમાં તેનો અમલ કરીશું. ઘરે બેઠાં બધાંનું કામ થઈ જશે.
પ્રશ્ન-3: બુધવારની કેબિનટ બેઠકમાં ઈ ગ્રામ સેવાનો મહત્વનો નિર્ણય લીધો છે, તે શું છે?
જવાબ: આપણાં ઈ ગ્રામ કેન્દ્ર છે, અને તે ગામેગામ છે. આ ગામમાં ચાર પ્રકારની સેવાઓ અમે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી દઈશું. ગામડાની વ્યક્તિઓએ આર.ટી.ઓ સુધી જવું ન પડે. ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, રીન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન, ડ્રાઈવિંગ લાયસન્સ રીપ્લેસમેન્ટ છે. આ ચાર સુવિધા અમે ઈ ગ્રામ સેવા કેન્દ્રમાં ઉપસ્થિત કરાવી શક્યા છીએ. સમયની બચત થશે, ઝડપી થશે, અને ઘેરબેઠાં સુવિધાનો લાભ મળશે. એટલે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને પ્રજાને ઝડપી અને સારી સુવિધા આપવા તત્પર છીએ.
પ્રશ્ન-4: એક મહિનામાં આપે કામગીરી કરી છે, પણ હવે પછીના દિવસોમાં સરકાર શું નવું કરવા માંગે છે? કોઈ પ્લાનિંગ કર્યું છે ખરું?
જવાબ: નાગરિક ઉડ્ડયનમાં કોરોનાકાળને કારણે ઈન્ટરનલ કનેક્ટિવિટી બંધ છે. નવ સીટરના પ્લેન બહુ ઓછી જગ્યાએ ચાલે છે. આવનાર દિવસોમાં આઠ યાત્રાધામ, સુરત, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતને જોડતાં તેને કનેક્ટિવિટી મળે, આગામી દિવસોમાં તે કામ કરવા જઈ રહ્યાં છીએ. 251 તાલુકા પર હેલીપેડ બને, કોઈ તાલુકો બાકી નહી રહે, અત્યારે 169 જેટલા હેલીપેડ છે. દરેક તાલુકાની જગ્યામાં હેલીપેડ બનીને તૈયાર રહે. 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરમાં એક હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ થાય. તે ઉપરાંત હેલીપોર્ટ 20 કરોડના ખર્ચે સાત સ્થાનો પર અમે બનાવવા જઈ રહ્યા છીએ. હેલીપોર્ટ પર 24 કલાકમાં ગમે ત્યારે હેલિકોપ્ટર ઉતારી શકો. એ પ્રકારનું આખુંય સ્ટ્રકચર તૈયાર થાય. પહેલું મોડલ ગુજરાતનું અમદાવાદમાં રહેશે. અને આખા ભારતમાં તે બીજા નંબરે હશે. આ પ્રકારે અમે બીજા હેલીપોર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. બીજા છ સ્થાનોની વાત કરીએ તો સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીરમાં અમે હેલીપોર્ટ બનાવીશું. જેથી ટુરિઝમનો ઝડપી વિકાસ થશે. તો આ નાગરિક ઉડ્ડયનના માધ્યમથી દરેક સ્થળને કનેક્ટિવિટીનો લાભ મળે. ગુજરાતના એક ખૂણેથી બીજા ખૂણે એક કલાકમાં પહોંચી શકાશે, આવા પ્રકારનું મેનેજમેન્ટ ગોઠવવામાં અમે આગળ વધી રહ્યા છીએ.
યાત્રાધામ વિકાસ માટે 20 મુદ્દાનો કાર્યક્રમ તૈયાર કરાયો
બીજુ અમે યાત્રા અને યાત્રાધામ વિકાસ માટે 20 મુદ્દાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. યાત્રાધામ પર જઈએ તો એકદમ પવિત્ર જગ્યા લાગે તેવું વાતાવરણ ઉભું કરવું છે. તેમજ તમામ યાત્રાધામમાં ટ્રાફિક ન નડે, તે માટે તમામ સ્થળો પર બાયપાસ રોડ બનાવવો. જેથી ભારે વાહનોનો ટ્રાફિક યાત્રાધામના શહેરમાં રહે જ નહી. બીજુ સ્વચ્છતા માત્ર મંદિર કેમ્પસ પૂરતી નહી, આખા યાત્રાધામમાં સ્વચ્છતા રહેવી જોઈએ. અને દરરોજ સફાઈ થવી જોઈએ. તેવું આયોજન કરી રહ્યાં છીએ. યાત્રાધામમાં કતલખાના જેવી કોઈ વસ્તુ ન હોય, બીજી અનેક સુવિધાઓ ઉભી કરાશે. એસટી બસ અને બસ સ્ટેન્ડની યોગ્ય અને સુચારુ વ્યવસ્થા અને સંચાલન હોવું જોઈએ. પાર્કિગ અને હોટલની પણ વ્યવસ્થા હોય, પ્રસાદની વ્યવસ્થા હોય, આમ તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી છે. આગામી દિવસોમાં આવી સુંદર વ્યવસ્થા અને સુવિધા આપણાં આઠેય પવિત્ર યાત્રાધામમાં કરવા જઈ રહ્યા છીએ. તેને કારણે ભક્તિમય અને પવિત્ર વાતાવરણ બની રહે. યાત્રાધામમાં પ્રવેશતાની સાથે જ તમને અલગ પ્રકારની અનુભુતિ થાય.
શિવરાજપુરમાં દિવાળી પર કરશે વિઝિટ
પ્રવાસનની વાત કરીએ તો ટુરિઝમમાં અમે નવો સર્વે કરી રહ્યા છીએ. ગુજરાતના અલગઅલગ ટુરિઝમ પ્લેસ પર આવતા પ્રવાસીઓના મનમાં શું છે? નવું કયું કામ કરવા જેવું છે? દાખલા તરીકે સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સાપુતારા જવા માટે સર્કિટ બનાવવી હોય તો શું? આવા અનેક પ્રશ્નો વિભાગે આપ્યા છે. જેને કારણે શબરી માતાનું મંદિર છે, ગીરા ધોધ છે, પંપા સરોવર છે, હનુમાન દાદાનું જન્મસ્થાન અંજનિ પર્વત છે, તો આ બધી સર્કિટ કેવી રીતે ડેવલપ થાય, એ જ પ્રકારે ઉત્તરમાં પણ અને સૌરાષ્ટ્રમાં પણ. આપણી ધાર્મિક આસ્થા વધે, લાખો લોકો દર્શન કરવા આવે છે. તેમની સુખસુવિધામાં વધારો કરવા સરકાર વિચારી રહી છે. અમે બ્લ્યૂ બીચ. દરિયામાં બ્લૂ રંગનું પાણી. શિવરાજપુરમાં અમે દિવાળી પર વિઝિટ કરવાના છીએ. અને ત્યાં ટુરિઝમનો કેવી રીતે વિકાસ થાય તે અંગે ચર્ચા કરીશું. ટુરિઝમનું ડેવલપમેન્ટ વર્લ્ડ ક્લાસ કરવું છે. લોકો આવે અને દરેક યાત્રાધામનો સર્કિટ દ્વારા પ્રવાસ કરે. વિદેશીઓ ગુજરાત ફરવા આવે. ઘણાં દેશોમાં તો ટુરિઝમ દ્વારા જ વિદેશી હૂંડિયામણ આવતું હોય છે, તેમ ગુજરાતમાં પણ વિદેશી વધુંને વધુ ફરવા આવે, તેવી સુવિધા ઉભી કરવી છે. "કુછ દિન તો ગુજારીયે ગુજરાત મે" અને "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા". જેવી કેચી લાઈનોથી આપણા એમ્બેસેડર દ્વારા મેસેજ આપ્યાં છે. હવે તેને ભૂમિ પર વાસ્તવિક રીતે કેમ ઉતારવું અને પ્રવાસીઓને કેવી રીતે આકર્ષવા. આવા પ્રકારની ચર્ચાવિચારણા અમે કરી રહ્યા છીએ.
પ્રશ્ન-5: ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવાની જાહેરાત થઈ ગઈ છે, તે સ્થળે બોર્ડ પણ લાગી ગયા છે. તે સ્થળની હું વિઝિટ પણ લઈ આવ્યો છું, તે સ્થળે કયારે એરપોર્ટ બનશે? તે અંગે સરકાર દ્વારા કોઈ પહેલ કરાઈ છે કે કેમ? અને ક્યા સુધીમાં પૂર્ણ થશે?
જવાબ: સરકારમાં અત્યારે મેં એમ જ કીધું કે કનેક્ટિવિટી કયાંથી કયાં મળે છે. પેસેન્જર આપણને કયાંથી કયાં મળશે. સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી દ્વારકા, અંબાજી તે અંગેની ફિઝિબિલિટી પહેલા ચેક કરો, અને શરૂ કરતાં પહેલા કાર્ગો અંગે પણ વિચારી શકાય. પેસેન્જર ઓછા મળે તો કાર્ગો પણ કરી શકાય. જેથી નુકસાન ન જાય. આ બધા જ સ્થળોનું કનેક્ટિવિટીનું કામ આપણે સોંપ્યું છે. કોરોનાને કારણે નાની ફ્લાઈટ બંધ છે, પણ હવે તે ઝડપભેર શરૂ થાય, તેના માટે અમે ગતિશીલ છીએ.
પ્રશ્ન-6: છેલ્લો સવાલ, ઈ ટીવી ભારતના માધ્યમથી ગુજરાતની જનતાને આપ શું સંદેશ આપવા માગો છો?
જવાબ: મારા પાંચ વિભાગ છે માર્ગ અને મકાન, ટ્રાન્સપોર્ટેશન, નાગરિક ઉડ્ડયન, યાત્રાધામ અને પ્રવાસન. આ બધા વિભાગો માટે અમે પૂર્ણેશ મોદી એપ્લિકેશન લોન્ચ કરી છે. દશેરાના દિવસે લોન્ચ કરી છે. આ પાંચ વિભાગને લઈને આપના સૂચન હોય, પ્રશ્ન હોય, રજૂઆત હોય, તે મૂકી શકો છો. જેથી તે રજૂઆત મને મળ્યા તુલ્ય સમજવી, તમારે કોઈ ધક્કો ખાવાની જરૂર નથી. આપની રજૂઆત મળી હશે તેના પર અમે કામ કરીશું. તમારા પ્રશ્નોનું નિરાકરણ ઘેર બેઠાં જ કરીશું. દિવાળી પૂર્વે હું ગુજરાતની પ્રજાને અપીલ કરું છું, કે તમે સૂચન કરજો, પ્રશ્નોની રજૂઆત કરજો, અમે ચોક્કસ તેનું ધ્યાન રાખીને યોગ્ય રીતે નિકાલ લાવવા માટે 100 ટકા પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો: કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા તમારૂ બેસ્ટ પરફોર્મન્સ આપો : ભાવિના પટેલ