શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે. જેના કારણે ઘર સામાન પણ પાણીમાં ફરી વળ્યો હતો. વરસાદના કારણે શહેરના શાહીબાગ, ઉસમાનપુર, ઇન્કમટેક્ષ, નિર્ણયનગર, પરિમલ ગાર્ડન, નરોડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ કરાયા છે.
વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે. પાણી ભરાવવાના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડ્યો છે. વરસાદ અને ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જેમાંથી ડ્રાઈવ-ઇન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. જેને લઇને વસ્ત્રાપુર પોલીસ અને ફાયરની ટિમે રસ્તા પરના ધરાશાયી થયેલા વૃક્ષને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. જે બાદ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરના બોપલ વિસ્તારમાં સુધા ફ્લેટ પાસે વહેલી સવારે અચાનક એક દીવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગને આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 લોકોના મોત નિપજ્યાં હતા.