- કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતાં AMC ના મેડિકલ ઓફિસર ઝડપાયા
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- વીડિયોમાં દારૂની બોટલ જણાય છે પરંતુ ફરિયાદમાં ઉલ્લેખ નથી
અમદાવાદ: શહેરના કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં રાત્રીના સમયે દારૂ પીતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરને કાલુપુર પોલીસે ઝડપી પાડ્યા છે. કાલુપુર પોલીસને દવાખાનામાંથી દારૂની બોટલ મળી આવી નથી. દવાખાનામાં દરોડા દરમિયાન ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક દારૂની બોટલ પણ જણાય છે. જોકે પોલીસે ડોક્ટર પાસેથી દારૂની બોટલ ન મળી હોવાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. પોલીસ ફરિયાદમાં પણ કાલુપુર પોલીસે જગ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. જેથી પોલીસે સમગ્ર બાબતને છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય એમ જણાય છે.
બેવડું વલણ કરતી હોય તેવો પોલીસનો વ્યવ્હાર
આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનના PI ડી.જે.ચુડાસમાએ Etv bharat ને જણાવ્યું હતું કે, ડોક્ટર ચિંતન પટેલ સામે દારૂ પીધેલાનો કેસ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જે બોટલ દેખાય છે એ દારૂની બોટલ ન પણ હોય શકે. જોકે આ બાબતે રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવે. પોલીસ બેવડું વલણ કરતી હોય તેવું લાગી રહ્યું છે.
કાલુપુર પોલીસને કંટ્રોલરૂમનો મેસેજ મળ્યો હતો
કાલુપુર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ કાલુપુર પોલીસને કંટ્રોલરૂમનો મેસેજ મળ્યો હતો કે, કાલુપુર હાજા પટેલની પોળની સામે આવેલા સમજુબા સિરોજ સિનેટમાં અમુક લોકો રૂમમાં બેસીને દારૂ પીવે છે. જેથી કાલુપુર પોલીસની મોબાઈલ વાન મેસેજવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક મેસેજ કરનાર અને ચિંતન દિનેશભાઇ પટેલ મળી આવ્યા હતા. જેમની તપાસ કરતા મોઢામાંથી દારૂ પીધેલા હોવાની તીવ્ર વાસ આવતી હતી. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી અન્ય કોઈ ચીજવસ્તુ મળી આવી નથી.
સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી
કાલુપુર પોલીસના દરોડા દરમિયાન વાયરલ વીડિયોમાં ટેબલ નીચેથી એક દારૂની બોટલ મળે છે. જે પોલીસકર્મી પોતાના હાથમાં લઈ લે છે. ગ્રીન કલરની બોટલ છે. જોકે પોલીસ ફરિયાદમાં દારૂનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શું મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર એવા ડોક્ટરને બચાવવા માટે પોલીસે ફરિયાદમાં દારૂની બોટલ નથી બતાવી ? આ સમગ્ર મામલે તપાસ થાય તે જરૂરી છે.