- તાઉતે વાવાઝોડા સામે સરકારે જાહેર કરેલી સહાય ન મળતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીનો મામલો
- કોર્ટે સરકારના લાભથી વંચિત લોકોની તરફેણમાં કર્યો આદેશ
- વંચિતોના પુરાવાની ફરી તપાસ કરી સરકાર આપે લાભ: હાઈકોર્ટ
અમદાવાદ: નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજદારના વકીલે રજુઆત કરી હતી કે કેટલાક લોકો કે જેમના ઘર વાવાઝોડા દરમિયાન જમીનદોસ્ત થઈ ગયા હતા. કેટલાક લોકો એવા છે જેમની ઘરવખરીનું મોટું નુકશાન થયું છે છતાં રાજ્ય સરકારે કરેલા સર્વેમાં આવા લોકોના નામ સામેલ નથી કરવામાં આવ્યા. વધુમાં અરજદાર વતી કોર્ટમાં રજુઆત થઈ હતી કે હવે જો સ્થળની રૂબરૂ મુલાકાત લઇ સર્વે કરવામાં આવે તો ત્યાંની સ્થિતિ વાવાઝોડા દરમિયાન જે મુજબ હતી તે આજે મળવી શક્ય નથી. આ સામે કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે સ્થળના જે તે સમયના ફોટોઝ અને અન્ય પુરાવાઓની તપાસ કરી જે પણ વંચિતો છે તેમને લાભ આપવામાં આવે.
શું કહે છે એડવોકેટ હેમંત મકવાણા?
ETV ભારત સાથે વાતચીત કરતા એડવોકેટ હેમંત મકવાણાએ જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટે ઉદ્દેશ કર્યો છે કે અરજદારની જે રજુઆત છે તે ધ્યાનમાં લેવી અને જો લોકોને અસર થઈ હોય તો સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને પણ સરકારના ધારાધોરણો મુજબ સહાય મળે. અહીં ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડા દરમિયાન સરકારે કરેલી જાહેરાત મુજબ લાભ ન મળ્યા હોય તેવા 70 જેટલા પરિવારો છે. આ આંકડો વધુ હોઈ શકે તેવી સંભાવનાઓ પણ હેમંત મકવાણાએ કરી હતી.
વધુ વાંચો: Breaking News : તાઉતે વાવાઝોડું : સહાય ન મળી હોય તેમના પુરાવા ચકાસી લાભ આપવાનો કોર્ટનો આદેશ
વધુ વાંચો: પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારીએ નુક્સાનનો હાથ ધર્યો સર્વે